સ્પોર્ટસ

7 નંબરની જર્સી માટે BCCIએ લીધો આ નિર્ણય…

ક્રિકેટપ્રેમીઓ માટે તો 7 નંબરની જર્સીનું શું મહત્વ છે અને હવે આ 7 નંબરની જર્સીને લઈને જ BCCI દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI દ્વારા 7 નંબરની જર્સીને રિટાયર કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને રિટાયર કરી હતી. BCCIના આ નિર્ણયની અસર એવી થશે કે હવે જે પણ નવા પ્લેયર્સ આવશે એમને 7 નંબર કે 10 નંબરની જર્સી નહીં આપવામાં આવે.

2017માં બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની 10 નંબરની જર્સી રિટાયર કરવામાં આવી હતી અને હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કૂલ એવા મહેન્દ્રસિંહ ધોનીના જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 2007 ટી20 વર્લ્ડકપ, 2011 વર્લ્ડકપ અને 2013 ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. એટલું જ નહીં પણ ધોની જ એક માત્ર એવો કેપ્ટન છે તે જેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટ્રોફી જીતી શકી હતી. પરિણામે માહીને અનોખી ટ્રિબ્યુટ આપવા માટે જ BCCI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર BCCI દ્વારા ભારતીય ક્રિકેટરોને આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ હવે તેમની જર્સી પર નંબર 7 નહીં લઈ શકે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે લોકોએ ટીમમાં આવનારા નવા ખેલાડીઓને એમએસ ધોનીની 7 નંબરની જર્સી પસંદ ન કરવાનું જણાવ્યું હતું. રમતમાં ધોનીના યોગદાનને ધ્યાનમાં લઈને જ બોર્ડે તેની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. પરિણામસ્વરૂપ હવે કોઈપણ નવા ખેલાડીને 7 નંબરની જર્સી મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કર્યું હતું ત્યારે તેને 19 નંબરની જર્સી જોઈતી હતી અને આ જર્સી નંબર 19 દિનેશ કાર્તિકનો છે. જયસ્વાલ આ જર્સી નંબર સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે, પરંતુ BCCI દ્વારા તેને આ નંબર આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો અને હવે તે 64 નંબરની જર્સી પહેરીને રમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button