ધાર્યું તો ગંભીરનું જ થાય…જોઈતો હતો એ બોલિંગ-કોચ મળી ગયો

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલની નિયુક્તિ ભારતીય ટીમના નવા બોલિંગ-કોચ તરીકે થઈ છે.
ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બન્યો ત્યારે તેણે બીસીસીઆઇ સમક્ષ કેટલીક ડિમાન્ડ મૂકી હતી જેમાંની એક માગણી મૉર્ની મૉર્કલની નિમણૂકને લગતી હતી.
બીસીસીઆઇએ શરૂઆતમાં (શ્રીલંકા ખાતેના પ્રવાસ સુધી) ગંભીરની ડિમાન્ડ પર વિચાર કર્યો અને હવે તેને બોલિંગ-કોચ તરીકે મૉર્ની મૉર્કલ આપ્યો છે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આ ખબરને બુધવારે સમર્થન આપ્યું હતું. તેમણે પીટીઆઇને જણાવ્યું હતું, ‘હા, મૉર્ની મૉર્કલની ભારતની સિનિયર ક્રિકેટ ટીમના બોલિંગ-કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.’
મૉર્ની મૉર્કલ આ પહેલાં લખનઊ સુપર જાયન્ટ્સમાં ગંભીર સાથે કામ કરી ચૂક્યો છે.
39 વર્ષનો રાઇટ-આર્મ ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલ 2006થી 2018 દરમ્યાન 86 ટેસ્ટ, 117 વન-ડે અને 44 ટી-20 રમ્યો હતો જેમાં તેણે કુલ મળીને 544 વિકેટ લીધી હતી.
મૉર્કલ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વતી રમ્યો હતો.
મૉર્કલ છેલ્લી મૅચ જાન્યુઆરી, 2022માં (31 મહિના પહેલાં) રમ્યો હતો. ત્યારે તે લેજન્ડ્સ લીગ ક્રિકેટ માસ્ટર્સ નામની સ્પર્ધામાં વર્લ્ડ જાયન્ટ્સ ટીમમાં હતો અને ડૅરેન સૅમીના સુકાનમાં એ ટીમ ચૅમ્પિયન બની હતી. મૉર્ની મૉર્કલનો મોટો ભાઈ ઍલ્બી મૉર્કલ પણ એ જ ટીમમાં હતો. મૉર્ની મૉર્કલ સૌથી વધુ આઠ વિકેટ લેવા બદલ મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીત્યો હતો.
Also Read –