
મૅન્ચેસ્ટરઃ ભારત વતી પહેલી જ વાર ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળી રહેલા શુભમન ગિલે (Shubhman Gill) રવિવારે ટેસ્ટ કરીઅરની નવમી અને વર્તમાન સિરીઝની ડબલ સેન્ચુરી સહિતની કુલ ચોથી સદી ફટકારવાની સાથે ભારતીય ક્રિકેટમાં બહુ મોટી સિદ્ધિ મેળવી હતી. વિદેશી ધરતી પર એક ટેસ્ટ શ્રેણીમાં 700થી વધુ રન (more than 700 runs) કરનાર તે ભારતનો પ્રથમ કૅપ્ટન બન્યો છે. તે વિશ્વના મહાન કૅપ્ટનો (captains)ની હરોળમાં પણ આવી ગયો છે.
શાનદાર કારકિર્દી દરમ્યાન જે કામ રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી કે વિરાટ કોહલી નહોતા કરી શક્યા એ ગિલે કરી દેખાડ્યું છે. વિદેશી ટેસ્ટ શ્રેણીમાં 700થી વધુ રન કરનારાઓમાં તેણે સર ડૉન બ્રેડમૅન, સર ગૅરી સોબર્સ, ગ્રેગ ચૅપલ, ડેવિડ ગોવર, ગ્રેહામ ગૂચ અને ગ્રેમ સ્મિથની બરાબરી કરી છે.
આપણ વાંચો: કિંગ ચાર્લ્સને મળ્યા ભારતીય ક્રિકેટર્સ: શુભમન ગિલે શેર કરી ખાસ મુલાકાતની વિગતો…
વિદેશમાં એક ટેસ્ટ શ્રેણીમાં 700 કે 700થી વધુ રન કરનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થયો છે. તેણે સુનીલ ગાવસકર અને યશસ્વી જયસ્વાલ જેવી સિદ્ધિ હાંસલ કરી છે. ગાવસકરે બે વખત વેસ્ટ ઇન્ડિઝમાં એક ટેસ્ટ શ્રેણીમાં 700-પ્લસ રન કર્યા હતા.
વર્તમાન સિરીઝમાં ગિલે ચાર ટેસ્ટમાં કુલ 722 રન કર્યા છે અને સિરીઝના તમામ ખેલાડીઓમાં મોખરે છે. ગાંગુલી, દ્રવિડ, સચિન, કોહલી જેવા દિગ્ગજો પણ એક ટેસ્ટ સિરીઝમાં 700 પ્લસ રન નહોતા બનાવી શક્યા. ગિલે કોહલીનો 692 રનનો (ઇંગ્લૅન્ડના પ્રવાસમાં) ભારતીય વિક્રમ રવિવારે પાર કર્યો હતો.
ભારત વતી એક ટેસ્ટ શ્રેણીમાં 700-પ્લસ રન કરનાર બૅટ્સમેનો…
(1) સુનીલ ગાવસકર, 1971માં વેસ્ટ ઇન્ડિઝ સામે કૅરિબિયન ધરતી પર 774 રન
(2) સુનીલ ગાવસકર, 1978માં વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે 732 રન
(3) યશસ્વી જયસ્વાલ, 2024માં ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે 712 રન
(4) શુભમન ગિલ, 2025માં ઇંગ્લૅન્ડ સામે બ્રિટિશરોની ધરતી પર 722 રન