સ્પોર્ટસ

`કોહલીને ડર હશે કે ઇંગ્લૅન્ડમાં…’ મૉન્ટી પનેસરે વિરાટના રિટાયરમેન્ટને લઈને કરી વિવાદાસ્પદ ટિપ્પણી…

લંડનઃ રવિચન્દ્રન અશ્વિન તેમ જ રોહિત શર્મા અને ખાસ કરીને વિરાટ કોહલી (VIRAT KOHLI)ની ટેસ્ટની નિવૃત્તિ પછી ભારતીયો થોડા દિવસમાં પહેલી જ વાર ટેસ્ટ-સિરીઝ રમવાના છે અને એને ધ્યાનમાં લઈને ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓના મંતવ્યો આવી રહ્યા છે જેમાં ખાસ કરીને ઇંગ્લૅન્ડ (ENGLAND)ના ભારતીય મૂળના ભૂતપૂર્વ સ્પિનર મૉન્ટી પનેસરે (MONTY PANESAR) વિરાટ કોહલી વિશે ચોંકાવનારી અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. પનેસરનું એવું કહેવું છે કે કોહલીને ઑસ્ટ્રેલિયાની જેમ ઇંગ્લૅન્ડમાં પણ ઑફ સ્ટમ્પ (OFF STUMP)ની બહાર જતા બૉલમાં વિકેટ ગુમાવવાનો ડર (FEAR) હશે એટલે જ તેણે ટેસ્ટ-ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો.

સિખ સમુદાયનો ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ સ્પિનર મૉન્ટી પનેસર 43 વર્ષનો છે. તેનું આખું નામ મધુસુદન સિંહ પનેસર છે. તે ઇંગ્લૅન્ડ વતી 2006થી 2013 દરમ્યાન 50 ટેસ્ટ, 26 વન-ડે અને એક ટી-20 મૅચ રમ્યો હતો અને કુલ 190-પ્લસ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી હતી. ભારતીય ટેસ્ટ ટીમ 20મી જૂનથી ઇંગ્લૅન્ડમાં પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી રમશે. કોહલીએ તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી અચાનક રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. તેણે 14 વર્ષની ટેસ્ટ કરીઅરમાં 123 ટેસ્ટમાં 30 સેન્ચુરીની મદદથી કુલ 9,230 રન કર્યા હતા. પનેસરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે કોહલીએ તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં ફાસ્ટ બોલર્સને ખૂબ ઉછાળ અપાવતી પિચો પર ઑફ સ્ટમ્પની બહાર (પાંચમા સ્ટમ્પ પર)ના બૉલને રમવામાં ખૂબ સંઘર્ષ કર્યો હતો.

તે મોટા ભાગે એવા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. એટલે તેણે (કોહલીએ) કદાચ વિચાર્યું હશે કે ઇંગ્લૅન્ડની પિચો પર બૉલ ખૂબ સ્વિંગ થશે. આવું વિચારીને તેણે પોતાની નબળાઈ દૂર કરવાની કોશિશ ન કરી અને તેને કોઈ ઉકેલ નહીં મળ્યો હોય એટલે તેણે રિટાયરમેન્ટ લઈ લીધું.’ પનેસરે એવું પણ કહ્યું કેકોહલીએ હવે પછી પોતાની બધી ઊર્જા આરસીબી પાછળ અને ભારત વતી રમાનારી વન-ડે મૅચો પાછળ આપવાનું પણ વિચાર્યું હશે. કોહલીને લાગ્યું હશે કે ઑસ્ટ્રેલિયાની જેમ ઇંગ્લૅન્ડમાં પણ ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં ન રમી શકવાની તેની નબળાઈ ફરી એક્સ્પોઝ થઈ જશે તો બાકીની કારકિર્દીમાં પણ મુસીબત ઊભી થઈ શકે એવું વિચારીને જ તેણે ટેસ્ટમાંથી અચાનક સંન્યાસ લઈ લીધો.’

જોકે પનેસરે કોહલીને ક્રિકેટજગતના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન તરીકે ઓળખાવ્યો છે અને કહ્યું છે કે તેણે દરેક ફૉર્મેટમાં ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે તેમ જ ક્રિકેટની રમતનો તે બહુ સારો ઍમ્બેસેડર (રાજદૂત) છે. તેણે દોઢ દાયકાની કરીઅરમાં બધુ જ હાંસલ કર્યું છે અને વિચાર્યું હશે કે હવે યુવા ખેલાડીઓએ આગળ આવવાનો સમય છે અને એ પણ તેના ઓચિંતા રિટાયરમેન્ટ પાછળનું એક કારણ હોઈ શકે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button