સ્પોર્ટસ

અમેરિકાનો ગુજરાતી કૅપ્ટન એક સમયે બુમરાહ-અક્ષર સાથે રમ્યો…

હવે સાતમી ફેબ્રુઆરીએ વાનખેડેમાં હરીફ બનીને રમશે

મુંબઈઃ દોઢ દાયકા પહેલાં મોનાંક પટેલ (Monank Patel) ગુજરાતની અન્ડર-19 ટીમના એ સમયના સાથી ખેલાડી જસપ્રીત બુમરાહ સાથે વાનખેડે સ્ટેડિયમના મેદાન પર ઊતર્યો ત્યારે મોનાંકે કલ્પના પણ નહીં કરી હોય કે એક સમય એવો આવશે જ્યારે બુમરાહ (Bumrah) ભારતનો તમામ ફૉર્મેટ માટેનો ગે્રટેસ્ટ-એવર ફાસ્ટ બોલર બની ગયો હશે અને પોતે તેની જ સામે આ જ મેદાન પર હરીફ દેશના ખેલાડી તરીકે રમશે.

જોકે મોનાંકે ત્યારે ભલે કલ્પના નહીં કરી હોય, પરંતુ હકીકત એ છે કે શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ ટી-20 વર્લ્ડ કપના મુકાબલામાં (સાંજે 7.00 વાગ્યાથી) મોનાંક પટેલ અમેરિકાના કૅપ્ટન તરીકે વાનખેડે (Wankhede)ના મેદાન પર જોવા મળશે અને બુમરાહ તેની ટીમના એકેય બૅટ્સમૅનને મચક ન આપવાના સંકલ્પ સાથે રમશે. શનિવારે વિશ્વ કપમાં ભારતનો પ્રથમ મુકાબલો અમેરિકા સામે થશે જેમાં મોનાંકની યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ)ની ટીમ સાથે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતની ટીમ ટક્કર લેશે. બુમરાહ ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર છે, જ્યારે અક્ષર વાઇસ-કૅપ્ટન છે.

મોનાંક પટેલ અને તેની ટીમનો ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર ભૂતકાળમાં જુનિયર ક્રિકેટર તરીકે વાનખેડે સ્ટેડિયમમાં ઘણી મૅચો રમી ચૂક્યા છે. ખરું કહીએ તો અમેરિકાની વર્તમાન વર્લ્ડ કપ ટીમમાં ભારત, પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા અને સાઉથ આફ્રિકન મૂળના જ ખેલાડીઓનો સમાવેશ છે.

મોનાંક-અક્ષર બન્ને ખેલાડી આણંદમાં જનમ્યા

મોનાંક દિલીપભાઈ પટેલ 32 વર્ષનો છે. બુમરાહ પણ 32 વર્ષનો છે, જ્યારે 2011ની સાલમાં તેઓ ગુજરાત વતી અન્ડર-19 મૅચ રમ્યા હતા ત્યારે તેમની ઉંમર 17 વર્ષની હતી. એ સમયે ગુજરાતની ટીમમાં અક્ષર રાજેશભાઈ પટેલ પણ હતો અને તે 16 વર્ષનો હતો. બુમરાહનો જન્મ અમદાવાદમાં થયો હતો, જ્યારે મોનાંક તથા અક્ષરના જન્મ આણંદમાં થયા હતા.

બુમરાહ સાથે બે વર્ષ રમ્યો છુંઃ મોનાંક

મોનાંક પટેલ પીટીઆઇ (PTI)ને મુલાકાતમાં કહે છે, ` બુમરાહ અને અક્ષર સાથે એક જ ટીમ વતી હું રમી ચૂક્યો છું અને એ સમયની પળેપળ મને બરાબર યાદ છે. ત્યારે ગુજરાત વતી અન્ડર-19માં હું પહેલી વખત રમ્યો હતો. હું બુમરાહ સાથે ગુજરાતની અન્ડર-19 ટીમ વતી અને એ પહેલાં અક્ષર સાથે અન્ડર-16 ટીમ વતી રમ્યો હતો.

બુમરાહ સાથે હું જુનિયર લેવલમાં બે વર્ષ રમ્યો હતો. અમે બન્ને ગુજરાત વતી ઘણી મૅચો સાથે રમ્યા હતા. બુમરાહ ત્યારે પણ બોલિંગમાં અત્યાર જેવો જ અસરદાર હતો. જુનિયર સ્તરે રેડ બૉલ અને વાઇટ બૉલ બન્નેની મૅચોમાં તેની બોલબાલા હતી. હું તેની બોલિંગ જોઈને ત્યારે જ સમજી ગયો હતો એક દિવસ આ બોલર વિશ્વના ટોચના બોલર્સમાં ગણાશે.’

2013માં ક્રિકેટ છોડી દેવા વિચારેલું

મોનાંક પટેલ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન અને વિકેટકીપર છે. તે 2013માં ભારતથી અમેરિકામાં કાયમ માટે સ્થાયી થયો ત્યારે તેણે ક્રિકેટ છોડી દેવા વિચારેલું. તેને ગ્રીન કાર્ડ 2010માં જ મળી ગયું હતું. હું ત્યારે ભારત પાછો આવ્યો હતો અને ગુજરાત વતી રણજી ટ્રોફીમાં રમવા મળે એની તક ચકાસી હતી. જોકે મોકો ન મળ્યો એટલે પાછો અમેરિકા જતો રહ્યો અને ત્યાં મેં રેસ્ટોરાં શરૂ કરી હતી. જોકે ક્રિકેટનો ક્રેઝ મારામાંથી જરાય ઓછો નહોતો થયો.

AFP 

અમેરિકામાં ક્રિકેટનો નંબર ટોચની 10 રમતમાં પણ નથી આવતો અને મને ત્યારે થયું કે જુનિયર ખેલાડીમાંથી પ્રોફેશનલ ક્રિકેટર બનવું સહેલું તો નથી જ. કારણ એ હતું કે આ રમતમાં ત્યારે કમાણી જેવું ખાસ કંઈ નહોતું. 2018માં અમે આખું વર્ષ ક્રિકેટ નહોતા રમતા. જોકે 2020માં અમેરિકાને વન-ડેનો દરજ્જો મળ્યો ત્યારથી અમારા માટે આ રમત આર્થિક રીતે ઉપજે એવી હોવા ઉપરાંત એમાં તક પણ બહુ હતી.

અમેરિકા વતી આ રમતમાં હું સફળ થઈ રહ્યો છું એ માટે હું સંપૂર્ણ યશ મારા પરિવારને આપીશ. હવે અમેરિકામાં ક્રિકેટની રમતને કરીઅર તરીકે ગણવામાં આવે છે. અમેરિકામાં દર વર્ષે મોટી સંખ્યામાં ક્રિકેટ ઍકેડેમીઓ શરૂ થાય છે. અમારી મેજર લીગ ક્રિકેટ (એમએલસી) લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટ છે અને એમાં રમીને ખેલાડીઓને સારા પૈસા પણ મળે છે.’

મારી ટીમમાં ભારત-પાકિસ્તાન જેવું કંઈ નથીઃ મોનાંક

ભારત ભલે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે મેદાન પર હાથ મિલાવવાનું ટાળે છે, પરંતુ મોનાંક પટેલની અમેરિકાની ટીમમાં એવું કંઈ જ નથી. તેની ટીમમાં ભારતીય અને પાકિસ્તાની મૂળના ઘણા ખેલાડીઓ છે. મોનાંક કહે છે, ` અમે લાંબા સમયથી એકમેક સાથે રમીએ છીએ. મારી ટીમમાં પાકિસ્તાનના અલી ખાન અને શેયાન જહાંગીરનો સમાવેશ છે. અમારા બધાનો એક જ ધ્યેય હોય છે અને એ છે અમેરિકાને વિજય અપાવવો. મારી ટીમમાં ભારતીય ખેલાડી કે પાકિસ્તાની ખેલાડી જેવું કંઈ નથી.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button