સ્પોર્ટસ

હું ભારત પાછો આવીને કૅપ્ટન તરીકે અમેરિકા વતી વર્લ્ડ કપ રમીશ એવી કલ્પના પણ નહોતી કરીઃ મોનાંક પટેલ

મુંબઈમાં દસ ટીમના કૅપ્ટનોએ વિશ્વ કપ પહેલાંની પત્રકાર પરિષદમાં હાજરી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ અહીં ગુરુવારે ટી-20 વર્લ્ડ કપ પહેલાં (પાકિસ્તાન સિવાયના) દેશોના કૅપ્ટનોની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત નેપાળ, સ્કૉટલૅન્ડ અને ઇટલીના કૅપ્ટને પોતાને ટી-20 જગતની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં રમવા મળેલી તકનો પૂરો લાભ લઈને ક્રિકેટના ફલક પર પોતાના દેશને નવી ઓળખ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ખાસ કરીને અમેરિકાની ટીમ 2024ની જેમ આ વખતે પણ અસરદાર પર્ફોર્મ કરવા તત્પર છે. અમેરિકાના કૅપ્ટન મોનાંક પટેલે (MONANK PATEL) પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ` હું અમેરિકા (USA)માં સ્થાયી થયા બાદ ભારત પાછો આવીને કૅપ્ટન તરીકે અમેરિકા વતી વર્લ્ડ કપ રમીશ એવી મેં કદી કલ્પના પણ નહોતી કરી. અમારી આખી ટીમ વર્લ્ડ કપ રમવા માટે રોમાંચિત છે.’

આપણ વાચો: ભારત સામેની ટી-20 વર્લ્ડ કપ મૅચ વિશે પાકિસ્તાનના વડા પ્રધાને હવે કહી જ દીધું કે…

આઇસીસીના સહયોગી દેશોમાં નેપાળનું નામ અજાણ્યું નથી, પરંતુ સ્કૉટલૅન્ડની ટીમને બાંગ્લાદેશની હકાલપટ્ટીને પગલે રમવાનો મોકો મળ્યો છે અને ઇટલીની હાજરી યુરોપમાં ક્રિકેટનો વધુ ફેલાવો કરાવશે.

નેપાળનો સુકાની રોહિત છે રોહિત શર્માનો ફૅન

રોહિત પૉડેલ નેપાળની ટીમનો સુકાની છે. તેણે પત્રકારોને કહ્યું, ` અમે (2024માં) દસ વર્ષે આ મેગા ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય થયા હતા. એ જોતાં આ વર્લ્ડ કપ અમારા માટે ખૂબ મહત્ત્વનો છે. અમારી હવે પછીની પેઢી અમને આ વર્લ્ડ કપમાં જરૂર નિહાળશે અને એના પરથી પ્રેરણા લેશે.

અમે તેમના માટે અસરદાર પર્ફોર્મ કરવા મક્કમ છીએ. હું રોહિત શર્માનો ચાહક છું અને મુંબઈમાં રોહિતભાઈના જ હોમટાઉનમાં રમવા માટે ઉત્સુક છું. રોહિતભાઈ જેવું રમવું તો મારા માટે ખૂબ કઠિન છે, પરંતુ આશા રાખું છું કે ચાહકોને હું ખુશ કરી શકીશ.’

આપણ વાચો: સ્ટીવ સ્મિથને ટી-20 વર્લ્ડ કપમાં ન રમવા મળ્યું એટલે પાકિસ્તાન…

ઇટલીના કૅપ્ટને શું કહ્યું?

ઇટલીની ટીમના ક્રિકેટ-કૅપ્ટન વેઇન મૅડસને પત્રકારોને કહ્યું, ` ઇટલીમાં ફૂટબૉલ મુખ્ય રમત છે, પણ અહીં ટી-20 વર્લ્ડ કપમાં રમવાની અમને જે તક મળી છે એ અમારા દેશ માટે પણ ખૂબ મહત્ત્વનું કહેવાય. અમે ઇટલીને ક્રિકેટના નકશા પર મૂકવા માગીએ છીએ.’

સ્કૉટલૅન્ડના સુકાનીએ કહ્યું કે…

આઇસીસીએ ભારતમાં રમવાની ના પાડનાર બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપની બહાર કરી અને એના સ્થાને સ્કૉટલૅન્ડને ગ્રૂપ-સીમાં મૂક્યું છે. એ ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ, ઇટલી, નેપાળ અને વેસ્ટ ઇન્ડિઝ પણ છે.

સ્કૉટિશ ટીમના સુકાની રિચી બેરિંગ્ટને જર્નલિસ્ટોને કહ્યું, ` અન્ય દેશોની તુલનામાં અમારી તૈયારી થોડી જુદી રહી છે. જોકે અમે આ ટોચના સ્તરે અમારો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપીશું. અમને બહુ મોટી તક મળી છે.’

પત્રકાર પરિષદમાં અફઘાનિસ્તાનનો સુકાની રાશીદ ખાન, કૅનેડાનો કૅપ્ટન દિલપ્રીત બાજવા, સાઉથ આફ્રિકાનો સુકાની એઇડન માર્કરમ, નામિબિયાનો કૅપ્ટન ગેરાર્ડ ઇરેસમસ, વેસ્ટ ઇન્ડિઝનો કૅપ્ટન શાઇ હોપ અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક પણ હાજર હતા અને તેમણે પોતાની ટીમની તૈયારીઓ વિશેની જાણકારી આપી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button