મોહસિન નકવી કહે છે, ` મેં ભારતની માફી માગી જ નથી’

લાહોર/દુબઈઃ એશિયા કપની ભારતની ચૅમ્પિયન ટ્રોફી પર વિવાદ વધતો જ જાય છે જેમાં હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પાકિસ્તાની ચીફ મોહસિન નકવી (MOHSIN NAQVI)એ કહ્યું છે કે તેણે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની માફી માગી જ નથી.
પીટીઆઇના અહેવાલ અનુસાર એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષ નકવીએ એવું જણાવ્યું છે કે ` ભારતીય ટીમ દુબઈમાં એસીસીની ઑફિસમાં ગમે ત્યારે આવીને પોતાની ટ્રોફી મેળવી શકશે. રવિવારે હું દુબઈના મેદાન પર ભારતીય ટીમને ટ્રોફી એનાયત કરવા માટે તૈયાર હતો અને હજી પણ છું. તેમને ખરેખર જો ટ્રોફી જોઈતી જ હોય તો એસીસીની ઑફિસમાં આવીને લઈ જાય.’
રવિવારે પાકિસ્તાન સામે એશિયા કપની ફાઇનલ જીત્યા બાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી એટલે નકવીએ ડ્રામા શરૂ કરી દીધો હતો અને ભારતીયોને ઘણી વાર સુધી રાહ જોવડાવ્યા બાદ અધિકારીઓ ભારતના ભાગની ટ્રોફી તથા મેડલ ઉપાડીને લઈ ગયા હતા. નકવીએ બુધવારે એવું પણ જણાવ્યું કે ` હું સ્પષ્ટ કરી દઉં છું કે મેં કંઈ જ ખોટું નથી કર્યું અને મેં ક્યારેય બીસીસીઆઇની માફી નથી માગી અને કદી માગીશ પણ નહીં.’
ભારત આ આખો મામલો નવેમ્બરમાં આઇસીસીની મીટિંગમાં રજૂ કરશે. એશિયા કપમાં ભારતે ત્રણેય વાર પાકિસ્તાની ટીમને પછડાટ આપી હતી અને એશિયા કપમાં પહેલી જ વાર પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ જીતી લીધી હતી.
આ પણ વાંચો…નફ્ફટ નકવી વિરુદ્ધ બીસીસીઆઇની ` ચોરી’ની ફરિયાદ? દુબઈ પોલીસ ધરપકડ કરી શકે