સ્પોર્ટસ

દિગ્ગજ ક્રિકેટરે રાજીનામું આપતાં જ પાકિસ્તાન ક્રિકેટમાં મચી ગઈ હલચલ!

કરાચી: પાકિસ્તાનનો તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે પહેલી વાર ટેસ્ટમાં અને પછી ટેસ્ટ-સિરીઝમાં પરાજય થયો એને પગલે પાકિસ્તાન ક્રિકેટમાં ધમાલ મચી ગઈ હતી અને હવે ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ યુસુફે નૅશનલ સિલેક્શન કમિટીમાંથી રાજીનામું આપતાં હલચલ મચી ગઈ છે.

ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ યુસુફે અંગત કારણસર પસંદગીકારનો હોદ્દો છોડ્યો છે.

યુસુફે એક્સ (ટ્વિટર) પર લખ્યું છે કે ‘હું અંગત કારણસર પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટેની સિલેક્શન કમિટીમાંથી રાજીનામું આપી રહ્યો છું. આ ટીમ ખૂબ જ સારી છે અને એની સાથે મેં ઘણો સારો સમય વીતાવ્યો. પાકિસ્તાન ક્રિકેટના વિકાસ અને સફળતામાં હું યોગદાન આપી શક્યો એનો મને ગર્વ છે. મને આ ટીમના ખેલાડીઓની પ્રતિભા અને જોશ-જુસ્સા પર ઘણો ભરોસો છે. આ ટીમ વધુ સારું પર્ફોર્મ કરવાનો પ્રયત્ન ચાલુ રાખશે એવી મને ખાતરી છે અને હું આ ટીમને શુભકામના આપું છું.’

મોહમ્મદ યુસુફ (અગાઉનું નામ યુસુફ યોહાના) 50 વર્ષનો છે. તે 1998થી 2010 દરમ્યાન 90 ટેસ્ટ, 288 વન-ડે અને ત્રણ ટી-20 રમ્યો હતો. તેણે ટેસ્ટમાં કુલ 7,530 રન, વન-ડેમાં 9,720 રન અને ટી-20માં 50 રન બનાવ્યા હતા.

છેલ્લા ઘણા વર્ષો દરમ્યાન યુસુફ અલગ-અલગ હોદ્દા પરથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે કામ કરી ચૂક્યો છે. તે અનિશ્ર્ચિત સમયકાળ સુધી સિલેક્ટર રહી ચૂક્યો છે અને એ દરમ્યાન કમિટીના મેમ્બર્સ તથા એનાથી જોડાયેલી પ્રણાલીમાં વારંવાર ફેરફાર કરવામાં આવ્યા હતા. છેલ્લે તે એ સિલેક્શન કમિટીમાં હતો જેમાં બે ભૂતપૂર્વ ટેસ્ટ પ્લેયર, હેડ-કોચ, કૅપ્ટન અને એક વિશ્ર્લેષક સામેલ હતા. તે નૅશનલ ટીમનો બૅટિંગ-કોચ તેમ જ અન્ડર-19 ટીમનો હેડ-કોચ પણ હતો.

યુસુફની નજીકના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ તે પોતાની ટીકાઓથી નારાજ હતો. ક્રિકેટ બોર્ડમાંના કેટલાક અધિકારીઓ તેમ જ જુનિયર ખેલાડીઓ તરફથી થયેલી ટીકાને લીધે પણ યુસુફ નિરાશ હતો. મીડિયામાં તેની સતત ટીકા થતાં તેણે ફક્ત કોચિંગ આપવા પર જ ધ્યાન આપવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે. ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જ તમામ સિલેક્ટર્સને સમાન અધિકાર આપ્યા હતા તેમ જ ચીફ સિલેક્ટરનો હોદ્દો કાઢી નાખ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button