સિરાજે ટ્રેવિસ હેડ નામનું હેડેક ઉતારી આપ્યા પછી આક્રમક અંદાજમાં તેને સેન્ડ-ઑફ આપી…
ઍડિલેઇડઃ પર્થની પ્રથમ ટેસ્ટ 295 રનના તોતિંગ માર્જિનથી આસાનીથી જીતી લેનાર ટીમ ઇન્ડિયા જો ઍડિલેઇડની બીજી મૅચમાં હારશે તો એ માટે ટ્રેવિસ હેડ (140 રન, 141 બૉલ, ચાર સિક્સર, સત્તર ફોર)ની શનિવારની ઇનિંગ્સ સૌથી વધુ જવાબદાર કહેવાશે એમાં કોઈ શક નથી, પરંતુ આજે મોહમ્મદ સિરાજે તેને આઉટ કરીને ભારતીયો પરથી માથાનો દુખાવો ઉતારી દીધા બાદ ટ્રેવિસ હેડને જે રીતે સેન્ડ-ઑફ આપ્યું એ જોઈને પ્રેક્ષકો અને ટીવી-દર્શકો ચોંકી ગયા હશે.
આ પણ વાંચો : માંજરેકરે સાત રનમાં વિકેટ ગુમાવનાર વિરાટની ખામી બતાવતાં કહ્યું કે `જ્યાં સુધી તે…’
ઑસ્ટ્રેલિયાના બૅટર્સમાંથી માત્ર માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ ભારતીય ટીમને સૌથી વધુ ભારે પડ્યા હતા. લાબુશેને 64 રન બનાવવા માટે 126 બૉલ લીધા હતા, જ્યારે ટ્રેવિસ હેડે તેનાથી વધુ માત્ર 15 બૉલ લીધા અને 140 રન ખડકી દીધા હતા.
ટ્રેવિસ હેડ ટીમ ઇન્ડિયા માટે કાંટો બની ગયો હતો અને ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 82મી ઓવરના ચોથા બૉલમાં મોહમ્મદ સિરાજે જાણે જસપ્રીત બુમરાહની ભૂમિકા ભજવી હતી. સિરાજે નીચા ફુલ-ટૉસ યૉર્કરમાં હેડને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.
વાત ત્યાં જ નહોતી અટકી. હેડ જેવી પ્રાઇઝ વિકેટ મળતાં સિરાજ એટલો બધો જોશમાં આવી ગયો હતો કે તેણે આક્રમક અંદાજમાં હેડને સેન્ડ-ઑફ આપી હતી. સિરાજે બે વખત હેડને `જા, પાછો જતો રહે’ એવો ઉગ્રપણે હાથથી સંકેત આપ્યો હતો. ટ્રેવિસ હેડથી પણ નહોતું રહેવાયું અને તેણે પણ મોંમાંથી થોડા શાબ્દિક તીર છોડ્યા હતા. ઍડિલેઇડના ક્રાઉડે સિરાજનો હુરિયો બોલાવ્યો હતો અને ભારતીય ખેલાડીઓએ સિરાજને શાંત પાડ્યો હતો. બીજી તરફ, પાછા આવી રહેલા ટ્રેવિસ હેડને હજારો પ્રેક્ષકોએ ઊભા થઈને યાદગાર ઇનિંગ્સ બદલ માન આપ્યું હતું.
આ પણ વાંચો : IND vs AUS 2nd Test: ઓસ્ટ્રેલિયન ટીમ કાળી પટ્ટી પહેરીને રમવા ઉતરી, જાણો શું છે કારણ
આ ટેસ્ટ ઑસ્ટ્રેલિયા માટે નાક બચાવવાનો સવાલ છે. પર્થની પ્રથમ ટેસ્ટ હાર્યા પછી કાંગારૂઓએ સિરીઝને 1-1ની બરાબરીમાં તો લાવવાની જ છે, ઍડિલેઇડમાં ક્યારેય પણ પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ ન હારવાની પરંપરા પણ તેમણે સાચવવાની છે.