લાબુશેન `મિયાં મૅજિક’નો શિકાર બન્યો, સિરાજ એકાગ્રતા તોડવામાં સફળ થયો
બ્રિસ્બેનઃ ઍડિલેઇડની બીજી ટેસ્ટ બાદ અહીં બ્રિસ્બેનમાં ગૅબાના ગ્રાઉન્ડ પર પણ પેસ બોલર મોહમ્મદ સિરાજ ચર્ચામાં રહ્યો. ઍડિલેઇડમાં પ્રથમ દાવમાં મૅચ-વિનિંગ 140 રન બનાવનાર ટ્રેવિસ હેડને આઉટ કર્યા પછી પૅવિલિયનનો રસ્તો બતાવનાર સિરાજે અહીં રવિવારે માર્નસ લાબુશેન બૅટિંગમાં હતો ત્યારે સિરાજે અચાનક તેની પાસે જઈને તેના સ્ટમ્પ્સ પરની બેલ્સ ઉપાડીને અદલાબદલી કરીને પાછી સરખી ગોઠવી નાખી હતી. જોકે એ ગોઠવતાં પહેલાં સિરાજથી એક બેલ નીચે પડી જતાં લાબુશેન થોડો ગુસ્સે થયો હતો.
સિરાજ બેલ્સ ગોઠવીને પાછો જઈ રહ્યો હતો ત્યારે લાબુશેને બેલ્સ ઉપાડીને પાછી એની અદલાબદલી કરીને મૂળ જગ્યા પર રાખી હતી. શુભમન ગિલ તરત દોડી આવીને સિરાજને શાંત પાડીને તેના બોલિંગના રન-અપ પર લઈ ગયો હતો. આ ઘટના જાણે હિન્દી સિનેમામાં બને એવી હતી.
જોકે સિરાજે આ જે કંઈ કર્યું એનાથી લાબુશેનની એકાગ્રતા તૂટી હતી અને પછીની ઓવરમાં (પેસ બોલર નીતિશ કુમાર રેડ્ડીની બોલિંગમાં) આઉટ થઈ ગયો હતો. તે આઉટ થયો ત્યારે સિરાજે એ વિકેટ જોરભેર સેલિબે્રટ કરી હતી અને પ્રેક્ષકો તરફ જોઈને મોં પર આંગળી મૂકીને માઇન્ડ-ગેમમાં પોતે જીત્યો હોવાનો સંકેત આપ્યો હતો.
આ પણ વાંચો : બ્રિસ્બેનનું મેદાન ભારત માટે નસીબવંતુ, ઑસ્ટ્રેલિયા સામે આવતી કાલથી ત્રીજી ટેસ્ટ…
લાબુશેનને નીતિશે સ્લિપમાં વિરાટ કોહલીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ખરેખર તો સિરાજની જાળમાં લાબુશેન ફસાયો અને એકાગ્રતાભંગ થયા બાદ પોતાના ફક્ત 12 રનના સ્કોર પર નીતિશને વિકેટ આપી બેઠો હતો. જોકે ત્યાર બાદ ટ્રેવિસ હેડ (152 રન) અને સ્ટીવ સ્મિથ (101 રન) વચ્ચેની 241 રનની ભાગીદારીને લીધે ઑસ્ટ્રેલિયાએ મૅચ પર પકડ જમાવી હતી.