Mohammed Shami Back in India Squad After 14 Months

મોહમ્મદ શમીનો 14 મહિનાનો વનવાસ પૂરોઃ સૂર્યા કૅપ્ટન, અક્ષર વાઇસ-કૅપ્ટન…

ઇંગ્લૅન્ડ સામેની ટી-20 ટીમની જાહેરાત, ટેસ્ટ ટીમના ચાર ખેલાડી પણ સામેલ

મુંબઈઃ 34 વર્ષીય પેસ બોલર મોહમ્મદ શમી 14 મહિને ફરી ભારત વતી રમવા આવી રહ્યો છે. આગામી બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ માટે આજે જાહેર કરવામાં આવેલી ટીમમાં તેનો સમાવેશ કરાયો છે. ત્યાર પછી ઇંગ્લૅન્ડ સામે જ રમાનારી ત્રણ મૅચની વન-ડે શ્રેણી માટેની ટીમની જાહેરાત હજી બાકી છે. સૂર્યકુમાર ટી-20 ટીમનો કૅપ્ટન અને ઑલરાઉન્ડર અક્ષર પટેલ વાઇસ-કૅપ્ટન છે.

22 જાન્યુઆરી-2 ફેબ્રુઆરી સુધીની પાંચ ટી-20 કોલકાતા, ચેન્નઈ, રાજકોટ, પુણે, મુંબઈમાં રમાશે. ત્યાર પછી 6, 9 અને 12 ફેબ્રુઆરીની ત્રણ વન-ડે અનુક્રમે નાગપુર, કટક, અમદાવાદમાં રમાશે. ફેબ્રુઆરીની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત માટે આઇસીસી તરફથી 12મી જાન્યુઆરીનો આખરી દિવસ અપાયો હતો.

34 વર્ષનો શમી ભારત વતી છેલ્લે અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો. ભારતનો એ ફાઇનલમાં છ વિકેટે પરાજય થયો હતો. ભારત એ વિશ્વ કપ નહોતું જીતી શક્યું, પરંતુ આખી ટૂર્નામેન્ટમાં મોહમ્મદ શમીની 24 વિકેટ હાઇએસ્ટ હતી. ત્યાર બાદ તે પગની ઘૂંટીની ઈજાને કારણે ઘણા મહિનાઓ સુધી નહોતો રમી શક્યો. તેણે ઇંગ્લૅન્ડ જઈને પગમાં સર્જરી કરાવી હતી. શમીને ઘૂંટીની ઈજામાંથી મુક્તિ મળી હતી, પણ પછીથી તેના ઘૂંટણમાં સોજો થયો હતો. જોકે ડોમેસ્ટિક મૅચોમાં રમ્યા બાદ હવે તેને ફરી આંતરરાષ્ટ્રીય મૅચ માટે મેદાન પર ઊતરવાનો મોકો મળ્યો છે.

ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝ માટેની ટીમમાં ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ નથી. રિષભ પંત તેમ જ યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો છે. બે વિકેટકીપર સંજુ સૅમસન અને ધ્રુવ જુરેલને ટીમમાં સમાવાયા છે. બૅટિંગ ઑલરાઉન્ડર રિયાન પરાગ ખભાની ઈજાને કારણે ઉપલબ્ધ નથી.

નવેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે ભારત 3-1થી જે ટી-20 સિરીઝ જીત્યું હતું એ માટેની ટીમના પાંચ ખેલાડી (રમણદીપ સિંહ, જિતેશ શર્મા, આવેશ ખાન, યશ દયાલ, વિજયકુમાર વૈશાક)ને આ વખતની 15 પ્લેયરવાળી ટીમની બહાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વિશ્વના નંબર-વન ઑલરાઉન્ડર ‘બાપુ’ જાડેજા ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે કે શું?

ભારતની ટી-20 ટીમઃ

સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને વૉશિંગ્ટન સુંદર.

સંબંધિત લેખો

Back to top button