મોહમ્મદ શમીનું કયું વર્ષો જૂનું સપનું પૂરું થયું?
નવી દિલ્હી: ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરના વન-ડે વર્લ્ડ કપમાં હાઇએસ્ટ 24 વિકેટ લીધી, પરંતુ ભારત ટ્રોફી ન જીતી શક્યું એટલે તેની જાણે બધી મહેનત પાણીમાં ગઈ એવું તેના કરોડો ચાહકોને લાગ્યું હશે. ખુદ શમી વિશ્ર્વકપ પછી કદાચ સૌથી વધુ નિરાશ હતો અને હવે ઈજાએ તેને ઘરમાં બેસાડીને વધુ હતાશ કરી નાખ્યો છે. જોકે મંગળવારે તે બેહદ ખુશ હતો. કારણ એ હતું કે તેણે જેનું નાનપણથી સપનું સેવ્યું હતું એ પુરસ્કાર તેને મળ્યો હતો.
રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુના હસ્તે તે અર્જુન અવૉર્ડથી સન્માનિત થયો હતો. રમતવીરોને આપવામાં આવતો આ સેક્ધડ-હાઇએસ્ટ અવૉર્ડ છે અને એ સ્વીકાર્યા પહેલાં જ પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ‘આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળવાનો હોવા બદલ હું બેહદ ખુશ છું. ઘણા ઍથ્લીટ્સ અને પ્લેયર્સ વર્ષો સુધીની તનતોડ મહેનત પછી પણ આ અવૉર્ડ નથી જીતી શક્તા, પરંતુ મને એ સદભાગ્ય મળ્યું છે. આ પુરસ્કાર જીતવાનું મારું નાનપણથી સપનું હતું અને એ માટે હું નૉમિનેટ થયો એ માટે ખૂબ ખુશ છું.’
સામાન્ય રીતે અર્જુન અવૉર્ડ ઍથ્લીટ કે પ્લેયરના અગાઉના ચાર વર્ષમાંના સારા પર્ફોર્મન્સ બદલ તેમ જ પોતાની રમતમાં આગેવાની લેવા બદલ, ખેલદિલી બતાવવા બદલ અને રમતને લગતી શિસ્તબદ્ધતા પાળવા બદલ આપવામાં આવતો હોય છે.
તીરંદાજ ઓજસ પ્રવીણ દેવતળેેને તેમ જ બંને હાથ ન હોવા છતાં પગથી તીરને નિશાના પર લગાવવામાં માહિર જમ્મુ અને કાશ્મીરની પૅરા આર્ચર શીતલ દેવીને તેમ જ આર્ચર અદિતી ગોપીચંદ સ્વામીને અને કુસ્તીબાજ અંતિમ પંઘાલને પણ મંગળવારે અર્જુન અવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. અન્ય જેમને અર્જુન અવૉર્ડથી સન્માનિક કરવામાં આવ્યા એમાં અજય રેડ્ડી (બ્લાઇન્ડ ક્રિકેટ), પારુલ ચૌધરી તથા મુરલી શ્રીશંકર (ઍથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બૉક્સિગં), આર. વૈશાલી (ચેસ), દિવ્યક્રિતી સિંહ અને અનુષ અગરવાલા (ઘોડેસવારી), દિક્ષા ડાગર (ગૉલ્ફ), ક્રિશન બહાદુર પાઠક (હૉકી), સુશીલા ચાનુ (હૉકી), પિન્કી (લૉન બૉલ), ઐશ્ર્વર્ય તોમર (શૂટિંગ) અને આહિકા મુખરજી (ટેબલ ટેનિસ).