રિઝવાન પડી જતાં તેની મજાક ઉડી, ` યૂં હી ફિસલ ગયે હા હા હા…’

બ્રિજટાઉનઃ વિકેટકીપર-બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાન (MOHAMMED RIZWAN) હજી થોડા સમય પહેલાં તો પાકિસ્તાની ટીમની કૅપ્ટન્સી સંભાળતો જોવા મળ્યો હતો અને અત્યારે હાલત એવી છે કે તે પાકિસ્તાનની ટીમમાં પણ નથી.
એ તો ઠીક, કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL)માં તે શર્મનાક રીતે આઉટ થઈ જતાં સોશ્યલ મીડિયામાં તેની ફિરકી પણ ઊતારવામાં આવી છે. મહાન પાર્શ્વગાયક કિશોરકુમારે (KISHORE KUMAR) ગાયેલું ‘ ચલતી કા નામ ગાડી’ ફિલ્મનું પ્રખ્યાત ગીત `યૂં હી ફિસલ ગયે હા હા હા…’ તેની વિકેટ સાથે જોડી દઈને તેની મજાક ઉડાડવામાં આવી છે.
haa haa haa pic.twitter.com/UMq1bFBswu
— Barbados Royals (@BarbadosRoyals) August 27, 2025
નવમી સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થનારા એશિયા કપ માટેની ટીમમાં બાબર આઝમ ઉપરાંત રિઝવાનનો પણ સમાવેશ નથી કરવામાં આવ્યો. તેની આ બાદબાકી બાદ હવે તેની વિકેટને લઈને તેની જે મજાક ઉડાડવામાં આવી એ દાઝયા પર ડામ દેવા સમાન છે.
તાજેતરમાં સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પૅટ્રિયટ્સ ટીમ વતી રમતી વખતે રિઝવાન બાર્બેડોઝ રૉયલ્સ સામેની મૅચમાં ફક્ત ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે સસ્તામાં તો આઉટ થયો, પણ જે રીતે તેણે વિકેટ ગુમાવી એ બદલ તેની હાંસી ઉડાડવામાં આવી રહી છે.
રિઝવાન મજાકનું સાધન બની ગયો ત્યાર પછી સીપીએલમાં ફૉર્મમાં આવી ગયો એ વાત અલગ છે, પણ એ પહેલાં તેની સાથે શું બન્યું એની વાત કરીએ તો તે બાર્બેડોઝના બોલરના બૉલમાં સ્વીપ શૉટ મારવા ગયો (લોકલ ભાષામાં કહીએ તો ઝાડુ મારવા ગયો) ત્યારે તેણે ખરાબ રીતે વિકેટ ગુમાવી હતી.
તેણે સમતોલપણું ગુમાવ્યું અને ક્રીઝમાં નમી પડ્યો અને તેના સ્ટમ્પ્સની બેલ્સ ઉડી ગઈ હતી. તેની વિકેટ પરથી બાર્બેડોઝ રૉયલ્સે સોશ્યલ મીડિયામાં તેની વિકેટ વિશે આ ગીત સાથે મજાક ઉડાવી…` હાલ કૈસા હૈ જનાબ કા…ક્યા ખયાલ હૈ આપ કા….તુમ તો મચલ ગયે હો હો હો…યૂં હી ફિસલ ગયે હા હા હા…’