સ્પોર્ટસ

મોહમ્મદ નબીએ અમ્પાયર સાથે દલીલ કરી એટલે 15 ટકા મૅચ ફી કપાઈ ગઈ, જાણો તેણે શું કર્યું હતું…

અમદાવાદઃ અહીં બુધવારે સાઉથ આફ્રિકા સામેની ટાઇ પછીના બે સુપર ઓવરના ડ્રામા પહેલાં અફઘાનિસ્તાનનો ઑલરાઉન્ડર મોહમ્મદ નબી (Nabi) અમ્પાયર (Umpire) જે. મદનગોપાલ સાથે એક બાબતે ઘણી વાર સુધી દલીલબાજી પર ઊતર્યો એટલે નબીએ 15 ટકા મૅચનો દંડ ભોગવવો પડ્યો હતો.

બન્યું એવું કે સાઉથ આફ્રિકાએ 188 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ અફઘાનિસ્તાનની 13મી ઓવરમાં ટીમ-સ્કોર 125-પ્લસ થઈ ગયો હતો એ તબક્કે 14મી ઓવરમાં બૅટ્સમૅન નબીએ અમ્પાયરને કહ્યું કે ` બોલર ઍન્ગિડીએ બોલિંગવાળા હાથ પર જે રિસ્ટ બૅન્ડ પહેર્યું છે એ તેને કાઢી નાખવા કહો, કારણકે લગભગ બૉલ જેવા જ રંગના એ રિસ્ટ બૅન્ડથી મને બૉલ પારખવામાં ખલેલ પહોંચી રહી છે.’

અમ્પાયરે નબીને કહ્યું કે ` એ શક્ય નથી, કારણકે એ રિસ્ટ બૅન્ડ સાઉથ આફ્રિકાના ખેલાડીઓના ક્રિકેટલક્ષી ડ્રેસને લગતો જ એક હિસ્સો છે. કાયદા મુજબ જોઈએ તો એ રિસ્ટ બૅન્ડ બીજા ખેલાડીને ખલેલ પહોંચાડનારું ન કહેવાય. પ્લીઝ, વાત પડતી મૂકો અને ફરી રમવાની શરૂઆત કરી દો.’

જોકે નબીએ દલીલ ચાલુ રાખતાં અમ્પાયરને કહ્યું, ના, હું નહીં રમું. તમે જ જુઓ. તમે અમ્પાયર છો. જ્યાં સુધી ઍન્ગિડી એ રિસ્ટ બૅન્ડ નહીં કાઢે ત્યાં સુધી હું બૅટિંગ નથી કરવાનો.’ એ તબક્કે સાઉથ આફ્રિકાના કૅપ્ટન માર્કરમે નબીને કહ્યું કે તું નાહકની દલીલ કરે છે અને સમય બગાડી રહ્યો છે. અમે ત્રણ મૅચ રમી ચૂક્યા છે અને ક્યારેય આ મુદ્દે કોઈ વિવાદ નથી થયો.’ નબીએ માર્કરમને કહ્યું, તમારી બીજી મૅચો વિશે મને કોઈ પરવા નથી. તને કહું છું, આ ખોટું થઈ રહ્યું છે.

‘ પછીથી નબીએ અમ્પાયરને ફરી ગુસ્સામાં કહ્યું, હું બૉલ બરાબર જોઈ નથી શકતો.’ છેવટે નબી તેના પાંચ રનના સ્કોર પર લિન્ડેના બૉલમાં આઉટ થયો હતો.

વર્લ્ડ કપમાં શુક્રવારે કયા મુકાબલા?

ઑસ્ટ્રેલિયા-ઝિમ્બાબ્વે
(કોલંબો, સવારે 11.00)

કૅનેડા-યુએઇ
(દિલ્હી, બપોરે 3.00)

નેધરલૅન્ડ્સ-અમેરિકા
(ચેન્નઈ, સાંજે 7.00)

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button