મોહમ્મદ નબીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર અફઘાનિસ્તાનનો બોલર બન્યો
નવી દિલ્હી:દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ૧૩મી મેચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૬૯ રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૨૮૪ રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૨૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અફઘાનિસ્તાન તરફથી બોલિંગમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ શાનદાર બોલિંગ કરી હતી. આ સાથે મોહમ્મદ નબી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. નબીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ૧૫ વિકેટ ઝડપી છે. તેણે આ મામલે રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે.
રાશિદે ૧૧ વિકેટ ઝડપી છે અને તે ત્રીજા નંબર પર છે. આ મામલે દૌલત ઝદરાન બીજા સ્થાને છે. તેણે ૧૪ વિકેટ ઝડપી છે. મુજીબ ઉર રહેમાન ચોથા નંબર પર છે. તેણે ૧૦ વિકેટ ઝડપી છે. આ મેચમાં બંને ટીમના સ્પિનરોએ મળીને કુલ ૧૩ વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપ મેચમાં સ્પિનરોનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ૨૦૦૩માં કેન્યા-શ્રીલંકા અને ૨૦૧૧માં કેનેડા-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચમાં સ્પિનરોએ ૧૪-૧૪ વિકેટ ઝડપી હતી.