મોહમ્મદ કૈફનો સનસનાટીભર્યો દાવો, દ્રવિડ-રોહિતને ગણાવ્યા જવાબદાર
નવી દિલ્હી: ક્રિકેટમાં ક્યારેક નાની-સૂની મૅચમાં રોમાંચક સ્થિતિમાં જો પરાજય થયો હોય તો એ મહિનાઓ સુધી નથી ભુલાતો અને એમાં પણ જો કોઈ મોટી ટૂર્નામેન્ટની નિર્ણાયક મૅચમાં હાર ખમવી પડી હોય તો એ ક્યારેય ન ભુલાય. એ હાર માટે કોણ જવાબદાર હતું એના પર લાંબા સમય સુધી અટકળો, આક્ષેપો અને ચર્ચાઓ થતી રહે છે.
ગયા ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાયેલા વન-ડેના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા ઐતિહાસિક વિજયકૂચ બાદ 19મી નવેમ્બરે અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં પાણીમાં બેસી ગઈ હતી. ઑસ્ટ્રેલિયા જ્યાં છઠ્ઠી વાર ચૅમ્પિયન બન્યું ત્યાં ભારત ત્રીજી વાર ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. સ્લો પિચ પર ભારતીયો ઝઝૂમતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ 240 રન બનાવી શકી હતી અને પછી પૅટ કમિન્સની ટીમે 42 બૉલ બાકી રાખીને ચાર વિકેટના ભોગે 241 રન બનાવી લીધા હતા. ટ્રેવિસ હેડ ઑસ્ટ્રેલિયાની જીતનો હીરો હતો. તે 137 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો અને પ્લેયર ઑફ ધ ફાઇનલ બન્યો હતો.
એ વર્લ્ડ કપમાં કરોડો ભારતીયોના દિલ તૂટ્યા હતા. ભારતના ભૂતપૂર્વ બૅટર અને અફલાતૂન ફીલ્ડર મોહમ્મદ કૈફે એ ફાઇનલને લઈને સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે વર્લ્ડ કપની ફાઇનલની પિચને હોમ ટીમને અનુકૂળ બનાવવાના હેતુથી ક્યૂરેટર દ્વારા એની સાથે છેડછાડ કરવામાં આવી હતી. કૈફે કહ્યું છે કે હેડ-કોચ રાહુલ દ્રવિડ અને કૅપ્ટન રોહિત શર્મા પિચના અવલોકન માટે ત્રણ દિવસ સુધી ત્યાં ગયા હતા. કૈફે કહ્યું કે તેણે પિચનો રંગ બદલાતો જોયો હતો.
કૈફે મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘હું ત્રણ દિવસ ત્યાં હતો. દ્રવિડ અને રોહિત સાંજે આવ્યા, પિચ પર ગયા, અવલોકન કર્યું અને પાછા આવી ગયા. આવું ત્રણ દિવસ સુધી બન્યું. મેં પિચનો કલર બદલાતો જોયો હતો. તેમણે ભૂલ એ કરી હતી કે ઑસ્ટ્રેલિયાની ટીમ પાસે કમિન્સ હતો, સ્ટાર્ક હતો. એટલે તેમની પાસે સારું ફાસ્ટ બોલિંગ આક્રમણ હતું એટલે ભારત તેમને સ્લો પિચ આપવા માગતું હતું. એ જ મોટી ભૂલ હતી. ઘણા લોકો કહેતા હોય છે પિચ ક્યૂરેટર પોતાનું કામ કરતા હોય છે અને અમે તેમના કામમાં દખલગીરી નથી કરતા હોતા. આ બધો બકવાસ છે. તમે જ્યારે પિચની ચારેય બાજુ ચક્કર લગાવો તો તમારે માત્ર બે લાઇન કહેવાની હોય છે કે મહેરબાની કરીને વધુ પાણી ન છાંટો, માત્ર ઘાસ થોડું ઓછું કરો. આ જ યોગ્ય છે અને એવું જ થવું જોઈએ.’
કૈફના મતે પૅટ કમિન્સે લીગ રાઉન્ડમાં ભારત સામેના પરાજયમાં પાઠ શીખ્યો હતો. કૈફે કહ્યું, ‘કમિન્સ ચેન્નઈની મૅચમાં શીખ્યો હતો કે સ્લો પિચ પર શરૂઆતમાં બૅટિંગ કરવી મુશ્કેલ હોય છે. સામાન્ય રીતે ફાઇનલમાં કોઈ પણ ટીમ પહેલા ફીલ્ડિંગ નથી કરતી, પણ કમિન્સે લીધી હતી. આપણે પિચ સાથે છેડછાડ કરીને ગરબડ કરી નાખી.’
આઇસીસી ઇવેન્ટમાં પિચની તૈયારીઓની દેખરેખ સામાન્ય રીતે આઇસીસીના સલાહકાર કરતા હોય છે. તેઓ યજમાન દેશના ક્રિકેટ બોર્ડ સાથે મળીને નક્કી કરે છે કે દરેક મૅચ માટે કઈ અને કેવી પિચ ઉપયોગમાં લેવી જોઈએ. આઇસીસીના નિયમ મુજબ જરૂરી નથી કે નૉકઆઉટ મૅચ નવી નક્કોર પિચ પર જ રમાવી જોઈએ. જોકે આઇસીસી અપેક્ષા જરૂર રાખે છે કે જે સ્ટેડિયમને નૉકઆઉટ મૅચનું યજમાનપદ આપવામાં આવ્યું હોય એના સત્તાધીશો એ મૅચ માટે સર્વોત્તમ પિચ અને આઉટફીલ્ડ પૂરા પાડશે.
આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારતનો પર્ફોર્મન્સ (2013 પછી)
2014: ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હાર
2015: વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં હાર
2016: ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં હાર
2017: ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર
2019: વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં હાર
2021: વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હાર
2021: ટી-20 વર્લ્ડ કપમાં ગ્રૂપ સ્ટેજમાં જ બહાર
2022: ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં હાર
2023: વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હાર
2023: વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હાર