વિશ્વ સ્પર્ધામાં ભારતના દિવ્યાંગ ઍથ્લીટો ઢગલો ચંદ્રકો જીત્યા એટલે પીએમ મોદીએ બિરદાવતાં કહ્યું…
સ્પોર્ટસ

વિશ્વ સ્પર્ધામાં ભારતના દિવ્યાંગ ઍથ્લીટો ઢગલો ચંદ્રકો જીત્યા એટલે પીએમ મોદીએ બિરદાવતાં કહ્યું…

નવી દિલ્હીઃ અહીં પાટનગરમાં દિવ્યાંગ ઍથ્લીટો માટેની વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ (Para World Athletics) ચૅમ્પિયનશિપ્સપમાં ભારતીય સ્પર્ધકો છ ગોલ્ડ, નવ સિલ્વર અને સાત બ્રૉન્ઝ સહિત કુલ બાવીસ ચંદ્રક જીત્યા એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ તેમના પર પ્રશંસાની વર્ષા વરસાવી છે અને તેમના આ પર્ફોર્મન્સને ઐતિહાસિક ગણાવીને તેમના ખૂબ વખાણ કર્યા છે.

ભારતના દિવ્યાંગ ઍથ્લીટોએ 2024માં જાપાનના કૉબેમાં યોજાયેલી વિશ્વ સ્પર્ધામાં કુલ 17 મેડલ જીતવાની જે સિદ્ધિ મેળવી હતી એને આ વખતે દિલ્હીમાં બાવીસ ચંદ્રક સાથે પાર કરીને નવો ઇતિહાસ સર્જ્યો છે. ભારતમાં પહેલી જ વખત દિવ્યાંગ ઍથ્લીટો માટેની વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ યોજાઈ.

જેમાં 100થી પણ વધુ દેશના 2,200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમણે કુલ 186 મેડલ ઇવેન્ટમાં હરીફાઈ કરી હતી. મોદીએ તમામ દેશોના ઍથ્લીટો અને સપોર્ટ-સ્ટાફને આ સ્પર્ધા સફળ તેમ જ સંગીન બનાવવામાં યોગદાન આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.

પીએમ મોદીએ દેશના તમામ ચંદ્રક વિજેતાઓના ફોટો પોસ્ટ કરવાની સાથે એક્સ’ પર લખ્યું હતું, આપણા પૅરા ઍથ્લીટોએ ઐતિહાસિક પર્ફોર્મ કર્યું છે. આ વર્ષની પૅરા-ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સ ભારત માટે વેરી સ્પેશ્યલ રહી. ભારતીય ઍથ્લીટોના સંઘે સૌથી સારું પર્ફોર્મ કર્યું છે. આપણે છ ગોલ્ડ મેડલ સહિત કુલ બાવીસ મેડલ જીત્યા. આપણા ઍથ્લીટોને અભિનંદન.’

મોદીએ એવું પણ લખ્યું હતું કે ` આપણા દિવ્યાંગ ઍથ્લીટોના આ શાનદાર પર્ફોર્મન્સ અનેક લોકો માટે પ્રેરક બનશે. હું આપણા સંઘના પ્રત્યેક મેમ્બર પર ગર્વ અનુભવું છું અને તેમને ભાવિ સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવું છું.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button