વિરાટ કોહલીના ભૂતપૂર્વ કૅપ્ટન મિથુન મન્હાસ બની રહ્યા છે બીસીસીઆઇના નવા પ્રમુખ…
સચિન, દ્રવિડ, ગાંગુલી અને લક્ષ્મણની હાજરીને કારણે ટૅલન્ટેડ બૅટ્સમૅન મન્હાસને ક્યારેય ભારત વતી નહોતું રમવા મળ્યું

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર અને આઇપીએલની ત્રણ ટીમ વતી રમી ચૂકેલા 45 વર્ષના મિથુન મન્હાસ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના 37મા પ્રમુખ (PRESIDENT) બનશે એવી પાકી સંભાવના છે અને આ ભૂતપૂર્વ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન તથા ઑફ-સ્પિનર વિશે ભૂતપૂર્વ ખેલાડી આકાશ ચોપડાએ ઘણી રસપ્રદ વાતો કરી છે. મન્હાસ વિશેની એક મુખ્ય વાત એ છે કે વિરાટ કોહલી 18 વર્ષની ઉંમરે દિલ્હી (DELHI) વતી મન્હાસના સુકાનમાં દિલ્હી વતી રમ્યો હતો.
મિથુન મન્હાસે રવિવારે ડેડલાઇન પહેલાં બીસીસીઆઇના પ્રમુખપદ માટેનું ઉમેદવારીપત્ર ભરી દીધું હતું. ચોપડાએ એવું પણ કહ્યું કે ` મેં બીસીસીઆઇના પ્રમુખપદ માટે અરજી કરનાર મન્હાસને શુભેચ્છા આપી છે.’

મિથુન મન્હાસ ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ અને રઘુરામ ભટ્ટ પણ પ્રમુખપદ માટે દાવેદાર હોવાના અહેવાલ વાઇરલ થયા હતા. મન્હાસનું નામ સૌથી આગળ રહેતાં ઘણાને નવાઈ લાગી હતી. કેટલાક તો ક્રિકેટ જગતના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડના પ્રમુખપદના ઉમેદવાર તરીકે મન્હાસનું નામ સાંભળીને ચોંકી ગયા છે.
એક પીઢ ક્રિકેટ વહીવટકર્તાએ પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું, ` યાદ કરો, ભાજપના અગ્રણી નેતાઓએ દિલ્હી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનોની પસંદગી કેવી રીતે કરી હતી. જો કોઈ કહેતા હોય કે આ ત્રણ રાજ્યના મુખ્ય પ્રધાનપદે રેખા ગુપ્તા, મોહન યાદવ અને ભજન લાલ શર્મા બિરાજમાન થશે એવી તેમને અગાઉથી ખબર હતી તો એ વ્યક્તિ જરૂર જુઠ્ઠું બોલતી હશે. આ ત્રણ હસ્તીઓ સીએમ બનશે એવી કોઈનેય કલ્પના નહોતી. મન્હાસની બાબતમાં પણ આવું જ કહી શકાય. તેઓ બીસીસીઆઇના પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર બનશે એવું કોઈએ ધાર્યું નહીં હોય.’
મન્હાસની ટીમમાં ઘણા સ્ટાર ખેલાડી હતા
વહીવટકારે એવું પણ કહ્યું કે દિલ્હી ક્રિકેટમાં ઘણા ખેલાડીઓનો મન્હાસ વિશે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મોટા ભાગનાએ કહ્યું હતું કે
મન્હાસ ખૂબ હોશિયાર, કાબેલ અને બુદ્ધિશાળી વ્યક્તિ છે. મન્હાસ હંમેશાં લોકોનું હિત જોવામાં માને છે. તેઓ જ્યારે દિલ્હીના કૅપ્ટન હતા ત્યારે તેમની ટીમમાં એવા ઘણા સ્ટાર ખેલાડીઓ હતા જેઓ ત્યારે ભારત વતી રમતા હતા. તેઓ મન્હાસના સુકાનમાં રમ્યા હતા અને મન્હાસે કૅપ્ટન્સી બહુ સારી રીતે સંભાળી હતી.’
આકાશ ચોપડાએ મન્હાસ વિશે વધુમાં કહ્યું, ` મન્હાસ બહુ સારું રમતા હતા. તેઓ એવા યુગમાં મિડલ-ઑર્ડરમાં રમતા હતા જ્યારે ભારતીય ટીમમાં ત્રીજા નંબર પર રાહુલ દ્રવિડ, ચોથા નંબર પર સચિન તેન્ડુલકર, પાંચમા નંબર પર સૌરવ ગાંગુલી અને છઠ્ઠા નંબર પર વીવીએસ લક્ષ્મણ જામી ગયા હતા. મન્હાસ ટૅલન્ટેડ બૅટ્સમૅન હતા. કમનસીબે તેમને ભારત વતી નહોતું રમવા મળ્યું.’

` 18 વર્ષના કોહલી’ને મન્હાસે સલાહ આપી હતી કે…
મન્હાસને દિલ્હીની ક્રિકેટમાં સ્ટ્રીટ સ્માર્ટ મૅન તરીકે પણ ઓળખાવવામાં આવી રહ્યા છે. દિલ્હીના એક ક્રિકેટરે કહ્યું કે ` દિલ્હીની ટીમના ડ્રેસિંગ-રૂમમાં મન્હાસ બધામાં પ્રિય હતા. 2006માં વિરાટ કોહલી જ્યારે 18 વર્ષનો હતો એક રણજી મૅચના દિવસો દરમ્યાન વિરાટના પિતાનું દેહાંત થયું હતું.
દિલ્હીની ટીમ એ મૅચમાં મુશ્કેલીમાં હતી. વિરાટ ત્યારે મૅચના એક દિવસની સાંજે 40 રને નૉટઆઉટ હતો અને એ દિવસે મધરાત બાદ તેના પિતાનું નિધન થયું હતું. વિરાટ બીજા દિવસે સવારે દિલ્હીના મેદાન પર પાછો રમવા આવી ગયો ત્યારે મન્હાસે તેને સલાહ આપી હતી કે તું તારા પરિવાર પાસે પહોંચી જા.
જોકે વિરાટે રમવાનું ચાલુ રાખીને 90 રનની ઇનિંગ્સથી દિલ્હીને મુસીબતમાંથી બહાર લાવી દીધી હતી અને ત્યાર પછી પોતાની ઇનિંગ્સ બાદ પિતાના અગ્નિસંસ્કાર માટે પરિવાર અને સ્વજનો પાસે પહોંચી ગયો હતો.’ દિલ્હી-ક્રિકેટમાં મિથુન મન્હાસના નજીકના મિત્રમાં વીરેન્દર સેહવાગ તેમ જ પંજાબ વતી તેમ જ દિલ્હી ડેરડેવિલ્સ વતી રમનાર યુવરાજ સિંહનો સમાવેશ છે.
ક્રિકેટર મન્હાસની કરીઅર પર એક નજર
જમ્મુમાં જન્મેલા મિથુન મન્હાસ 1997થી 2016 સુધી દિલ્હી વતી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની મૅચો રમ્યા હતા. તેમણે 157 મૅચની 244 ઇનિંગ્સમાં 9,714 રન કર્યા હતા જેમાં 27 સેન્ચુરી અને 49 હાફ સેન્ચુરી સામેલ હતી. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં જ લિસ્ટ-એ પ્રકારની 130 મૅચમાં કુલ 4,126 રન કર્યા હતા જેમાં પાંચ સેન્ચુરી અને 26 હાફ સેન્ચુરીનો સમાવેશ હતો.
આઇપીએલમાં મન્હાસ દિલ્હી ડેરડેવિલ્સ, પુણે વૉરિયર્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વતી રમ્યા હતા અને તેમણે ટી-20 મૅચોમાં કુલ 1,170 રન કર્યા હતા. તેઓ છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મૅચ 2017માં જમ્મુ અને કાશ્મીર વતી હરિયાણા વિરુદ્ધ રમ્યા હતા.
આ પણ વાંચો…હરભજન સિંહ નહીં પણ આ ભૂતપૂર્વ ક્રિકેટર બની શકે છે BCCIના નવા અધ્યક્ષ