કોઈ યંગ ખેલાડીને કૅપ્ટન બનાવો…એવું કહીને મિતાલી રાજે જાણો છો કોનું નામ આપ્યું?
નવી દિલ્હી: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમ યુએઇમાં જોત જોતાંમાં ટી-20 વર્લ્ડ કપની બહાર થઈ ગઈ એટલે આ ટીમની કચાશ તેમ જ એને શેની જરૂર છે એના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમ આઇસીસીની કોઈ ટૂર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં પણ ન પહોંચી શકી હોય એવું હરમનપ્રીતની કૅપ્ટન્સીમાં પહેલી વાર બન્યું છે અને એ સંદર્ભમાં એવી પણ ચર્ચા છે કે હરમનપ્રીતને કૅપ્ટનપદેથી દૂર કરવામાં આવશે કે શું? ભારતીય લેજન્ડ મિતાલી રાજે તો એ વિશે પૂછાતાં કહી જ દીધું છે કે ‘કોઈ યુવાન ખેલાડીને કૅપ્ટન બનાવી દો.’ આવું કહીને મિતાલી રાજે 24 વર્ષની મુંબઈની જોશીલી ખેલાડી જેમાઇમા રૉડ્રિગ્સનું નામ હરમનના અનુગામી તરીકે આપ્યું હતું.
35 વર્ષની હરમનપ્રીત કૌર વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં (ન્યૂ ઝીલૅન્ડ સામે) સારું નહોતી રમી એ સાથે જ ભારતીય ટીમનું પતન થયું હતું. એમાં તેણે માત્ર 15 રન બનાવ્યા હતા. ત્યાર પછીની ત્રણમાંથી બે મૅચમાં તેની હાફ સેન્ચુરી સહિતની ત્રણ અણનમ ઇનિંગ્સ (29, 52 અને 54*) હતી, પરંતુ ટીમને સેમિ ફાઇનલમાં પહોંચાડવા માટે એ પૂરતી નહોતી.
મિતાલી રાજે દુબઈથી પીટીઆઇને જણાવ્યું, ‘આપણી ટીમ યુએઇમાં હવામાન સહિતની પરિસ્થિતિને જલદી અનુકૂળ નહોતી થઈ શકી. બીજું, બૅટિંગમાં કોનો શું રોલ હશે એવો સ્પષ્ટ અભિગમ પણ નહોતો અપનાવાયો. ત્રીજું, બેન્ચ સ્ટ્રેન્ગ્થનો વધુ ઉપયોગ જ ન કરાયો…તેમને વધુ તક ન અપાઈ.’
આ પણ વાંચો : ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરી: જાણો, કઈ ઇલેવનમાં કોણ-કોણ છે…
હરમનપ્રીત કૌર 2018ની સાલથી ભારતીય ટીમની કૅપ્ટન છે, પરંતુ તેના સુકાનમાં જોઈએ એવા સારા પરિણામો નથી જોવા મળ્યા એનું કારણ શું? સિલેક્ટરોએ તેના સ્થાને હવે કોઈ યુવાન પ્લેયરને કૅપ્ટન બનાવવી જોઈએ? એવું પૂછાતાં મિતાલી રાજે પીટીઆઇને જણાવ્યું, ‘જો સિલેક્ટર્સ કૅપ્ટનપદે ફેરફાર કરવા માગતા જ હોય તો તેમણે કોઈ યુવાન ખેલાડીને નેતૃત્વ સોંપી દેવું જોઈએ. ફેરફાર કરવાનો આ જ યોગ્ય સમય છે. મોડું કરાશે તો પછી બીજો વર્લ્ડ કપ (સપ્ટેમ્બર, 2025નો વન-ડે વર્લ્ડ કપ) આવી જશે. અત્યારે જો કૅપ્ટન્સીમાં ફેરફાર ન કરવાના હો તો પછી પણ નહીં કરતા, કારણકે ત્યારે વિશ્ર્વ કપ નજીક આવી ગયો હશે. સ્મૃતિ (મંધાના) ઘણા સમયથી વાઇસ-કૅપ્ટન છે, પરંતુ મને લાગે છે કે 24 વર્ષની જેમાઇમાને સુકાન સોંપી દેવું જોઈએ. તે યુવાન છે, મેં જોયું છે કે મેદાન પર તે એકદમ ઊર્જામય હોય છે. તે રમતી વખતે દરેક સાથી પ્લેયર સાથે વાતચીત કરી લેતી હોય છે. હું તો આ ટૂર્નામેન્ટમાંના તેના અભિગમથી ખૂબ પ્રભાવિત થઈ છું.’
મિતાલી રાજે ભારતીય મહિલા ટીમ વિશેના ખાસ ઉલ્લેખમાં કહ્યું, ‘છેલ્લા બે-ત્રણ વર્ષમાં આ ટીમમાં મને કોઈ પ્રકારનો સુધારો જોવા જ નથી મળ્યો. રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે આપણી ટીમ જીતી શકે એમ હતી. મને લાગે છે કે આપણી ટીમ બેસ્ટ ટીમને હરાવવા વિશે ખાસ કોઈ તૈયારી નથી કરતી. અન્ય ટીમોને હરાવે એટલે એમાં જ ખુશ થઈ જતી હોય એવું મને લાગે છે. આપણે હંમેશાં ઓપનર શેફાલી પાસે મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખતા હોઈએ છીએ. જોકે બન્ને ઓપનર સારું રમે તો મિડલ ઑર્ડરમાં બધુ ઠપ થઈ જતું હોય છે. આપણે પાવર પ્લે તથા ડેથ ઓવર્સમાં સારું રમીએ છીએ, પણ મિડલ ઓવર્સમાં સારું રમવાના ઉપાય આપણને મળતા જ નથી.’
મિતાલી રાજના મતે વર્લ્ડ કપમાં ભારતની ફીલ્ડિંગ પણ સારી નહોતી. તેણે કહ્યું, ‘અગિયાર પ્લેયરમાંથી માત્ર રાધા યાદવ અને જેમી (જેમાઇમા રૉડ્રિગ્સ) સારી ફીલ્ડિંગ કરે એ કેમ ચાલે. ફિટનેસની બાબતમાં પણ યોજનાબદ્ધ કાર્યક્રમ જરૂરી છે. માત્ર ટૂર્નામેન્ટની પહેલાં જ નહીં, પણ વર્ષ દરમ્યાન ફિટનેસ વિશે કૅમ્પ હોવા જોઈએ.’