ઑસ્ટ્રેલિયન ટીમનું શું થવા બેઠું છે?! ફાસ્ટ બોલર્સની આખી ફોજ ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર!
પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં વધુ એક ઝડપી બોલરને નથી રમવું!
![](/wp-content/uploads/2023/11/mitchell-starc-dismisses-shubman-gill-world-cup-final.webp)
મેલબર્ન : વન-ડેના વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થઈ રહેલી વન-ડેની આ સ્પર્ધામાંથી સિલસિલાબંધ સ્ટાર ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો ઈજા યા અન્ય કોઈ કારણસર નીકળી ગયા ત્યાર બાદ હવે આજે વધુ એક નામાંકિત ખેલાડીએ પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. મુખ્ય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ચેમ્પિયન્સ ટ્રોફીમાં અંગત કારણસર નથી રમવાનો.
પીઢ ખેલાડી સ્ટીવ સ્મિથ ઑસ્ટ્રેલિયન ટીમનું સુકાન સંભાળશે. આ પહેલાં પૅટ કમિન્સ, જૉશ હૅઝલવુડ તેમ જ મિચલ માર્શ ઈજાને લીધે આ સ્પર્ધામાંથી નીકળી ગયા હતા તેમ જ ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે અચાનક રિટાયરમેન્ટ લઈ લીધું એટલે તેની પણ બાદબાકી થઈ ગઈ. હવે મિચલ સ્ટાર્ક પણ નીકળી ગયો એને પગલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયાની ટીમ નબળી પડી ગઈ છે. વર્તમાન ટીમમાં 2023ની આ વર્લ્ડ ચેમ્પિયન ટીમનો એકેય મુખ્ય ફાસ્ટ બોલર સામેલ નથી. એક મહિના પછી આઇપીએલ રમાવાની હોવાથી આ ખેલાડીઓએ ફિટનેસના ડરને લીધે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી રમવાનું માંડી વાળ્યું છે? કે પછી આતંકવાદીઓના હુમલાના ભય વચ્ચે પાકિસ્તાનમાં રમવું પડશે એવા ડરથી આ ઇવેન્ટમાંથી નીકળી ગયા છે? એવી ચર્ચા ક્રિકેટપ્રેમીઓમાં થઈ રહી છે.
Also read: સ્ટાર્કનો અસલી સ્પાર્ક, લખનઊની લડતને કાબૂમાં રાખી
મિચલ સ્ટાર્કે પોતાનો નિર્ણય જાહેર કરવાની સાથે એવું પણ કહ્યું છે કે ‘મારો આ અંગત નિર્ણય છે અને એ વિશે મારી પાસેથી વિગતવાર જાણવાની કોશિશ કોઈ ન કરે એવી સૌને મારી નમ્ર વિનંતી છે.’ છેલ્લા થોડા દિવસમાં ચારથી પાંચ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી નીકળી ગયા એને પગલે જે પ્લેયર્સને 15 ખેલાડીઓની અંતિમ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે એમાં શૉન અબૉટ, બેન ડવારશૂઇસ, જૅક ફ્રેઝર મેકગર્ક, સ્પેન્સર જોન્સન અને તન્વીર સંઘાનો સમાવેશ છે. ઑસ્ટ્રેલિયા ‘બી’ ગ્રૂપમાં છે અને એના ગ્રુપમાં ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનનો પણ સમાવેશ છે. ગ્રૂપ ‘એ’માં ભારત, પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ અને બાંગ્લાદેશ છે. વેસ્ટ ઈન્ડિઝ તથા શ્રીલંકાની ટીમ આ સ્પર્ધા માટે ક્વોલિફાઇ નથી થઈ.
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ઑસ્ટ્રેલિયન ટીમ:
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, નૅથન એલિસ, આરૉન હાર્ડી, જૉશ ઈંગ્લીસ, મેથ્યૂ શોર્ટ, ઍડમ ઝેમ્પા,
શૉન અબૉટ, બેન ડવારશૂઇસ, જૅક ફ્રેઝર મેકગર્ક, સ્પેન્સર જોન્સન અને તન્વીર સંઘા.