ઇંગ્લૅન્ડ ફરી બાઝબૉલ સ્ટાઇલની બૅટિંગના ચક્કરમાં ફસાયું, ઑસ્ટ્રેલિયા 2-0ની દિશામાં…

બ્રિસ્બેનઃ બીજી ઍશિઝ ટેસ્ટ (ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી લાઇવ)માં ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં જૉ રૂટ (અણનમ 138)ની સેન્ચુરીની મદદથી 334 રન કર્યા બાદ શનિવારે ઑસ્ટ્રેલિયાએ (એક પણ સદી વગર) પાંચ હાફ સેન્ચુરી સહિત તમામ 11 બૅટ્સમેનના ડબલ-ડિજિટના રનની મદદથી 511 રન કર્યા હતા અને 177 રનની મોટી સરસાઈ લીધી હતી. મિચલ સ્ટાર્ક (Mitchell Starc) ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ આ મૅચમાં બ્રિટિશરો માટે સૌથી ડેન્જરસ નીવડી રહ્યો છે. ઇંગ્લૅન્ડે જવાબમાં શનિવારના ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બાઝબૉલ (આક્રમક બૅટિંગ) સ્ટાઇલના ચક્કરમાં માત્ર 134 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આ તમામ છ વિકેટ બે કલાકના છેલ્લા સત્રમાં પડી હતી.
સેન્ચુરિયન રૂટના બીજા દાવમાં 15 રન
ઇંગ્લૅન્ડ (England)ની ટીમ શનિવારે આ પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટના બીજા દાવમાં હજી 43 રનથી પાછળ હતી અને હવે રવિવારે ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાને ફરી બૅટિંગ કરવા મજબૂર કરી શકશે કે કેમ અને કરશે તો યજમાન ટીમને કેટલો નાનો લક્ષ્યાંક મળશે એ જોવું રહ્યું. ટૂંકમાં, ઑસ્ટ્રેલિયા પાંચ ટેસ્ટની આ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શનિવારની રમતને અંતે કૅપ્ટન બેન સ્ટૉક્સ ચાર રને અને વિલ જૅક્સ ચાર રને રમી રહ્યા હતા. સેક્નડ ઇનિંગ્સમાં એક પણ બ્રિટિશ પ્લેયર હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. ઓપનર ઝૅક ક્રૉવ્લીના 44 રન ટીમમાં હાઇએસ્ટ હતા. પ્રથમ દાવનો અણનમ સેન્ચુરિયન જૉ રૂટ ફક્ત 15 રનના પોતાના સ્કોર પર મિચલ સ્ટાર્કના બૉલમાં વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં કૅચઆઉટ થયો હતો.
સ્ટાર્ક મૅન ઑફ ધ મૅચ બની શકે
મિચલ સ્ટાર્કે પર્થમાં સિરીઝની પહેલી ટેસ્ટમાં કુલ 10 વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો. શનિવારે તેણે અને માઇકલ નેસર તેમ જ સ્કૉટ બૉલેન્ડે બે-બે વિકેટ લીધી હતી. પહેલા દાવમાં સ્ટાર્કે છ વિકેટ લીધી હતી અને આ મૅચમાં 77 રનની ઇનિંગ્સ ગણતાં તે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચના પુરસ્કાર માટે સૌથી મોટો દાવેદાર છે.
ઑસ્ટ્રેલિયાના 11 બૅટ્સમેનોમાં કોના કેટલા રન
શુક્રવારના બીજા દિવસે ઇંગ્લૅન્ડના ફીલ્ડર્સે પાંચ કૅચ છોડ્યા જેને કારણે યજમાન ટીમ 6/378ના સ્કોર સાથે સરસાઈ લેવામાં સફળ રહી હતી. ઑસ્ટ્રેલિયાને એક્સ્ટ્રામાં બાવીસ રન મળ્યા હતા અને 11 બૅટ્સમેનના વ્યક્તિગત સ્કોર આ મુજબ હતાઃ ટ્રૅવિસ હેડ (33 રન), જેક વેધરાલ્ડ (72 રન), માર્નસ લાબુશેન (65 રન), કૅપ્ટન સ્ટીવ સ્મિથ (61 રન), કૅમેરન ગ્રીન (45 રન), ઍલેક્સ કૅરી (63 રન), જૉશ ઇંગ્લિસ (23 રન), માઇકલ નેસર (16 રન), મિચલ સ્ટાર્ક (77 રન), સ્કૉટ બૉલેન્ડ (21 અણનમ), બે્રન્ડન ડૉજિટ (13 રન).
આ પણ વાંચો…ઇંગ્લૅન્ડે પાંચ કૅચ છોડ્યા પછી ઑસ્ટ્રેલિયાની 44 રનની સરસાઈ…



