પુણેમાં બૅટર્સે વોશિંગ્ટન અને અશ્વિનની મહેનત પર પાણી ફેરવ્યું, જુઓ તો ખરા કોણે શું ઉકાળ્યું…
પુણે: ન્યૂ ઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતે પ્રથમ દાવમાં લંચ-બ્રેક સુધીમાં ફક્ત 107 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ગુરુવારે ઑફ સ્પિનર્સ વોશિંગ્ટન સુંદર (59 રનમાં સાત વિકેટ) અને આર. અશ્વિન (64 રનમાં ત્રણ વિકેટ) જે સુપર પર્ફોર્મ કર્યું એ બધી મહેનત પર ભારતીય બેટર્સે પાણી ફેરવી દીધું.
જોકે પુણેની ડ્રાય પિચ પર સુંદર અને અશ્વિન પછી હવે આજે કિવી સ્પિનર્સે સપાટો બોલાવ્યો હતો.
લેફટ-આર્મ સ્પિનર મિચલ સેન્ટનરે 36 રનમાં ચાર વિકેટ અને ઑફ સ્પિનર ગ્લેન ફિલિપ્સે 26 રનમાં બે વિકેટ લીધી હતી. ગુરુવારે સાંજે પેસ બોલર ટિમ સાઉધીએ રોહિત શર્માને આઉટ કર્યો હતો.
ભારતીય ટીમમાં ફક્ત બે બૅટર સાધારણ રમ્યા હતા. બાકીના પાંચ બૅટર ફ્લોપ ગયા હતા. યશસ્વી જયસ્વાલ અને કમબૅકમૅન શુભમન ગિલે 30-30 રન બનાવ્યા હતા, પરંતુ રોહિત (0), વિરાટ કોહલી (1), રિષભ પંત (18) અને સરફરાઝ ખાને (11) સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. અશ્વિન ચાર રન બનાવીને આઉટ થયો હતો.
લંચ વખતે રમત અટકી ત્યારે રવીન્દ્ર જાડેજા 11 અને અને વોશિંગ્ટન સુંદર બે રને રમી રહ્યો હતો.
ગયા અઠવાડિયે બેંગ્લૂરુમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં ફક્ત 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં પાંચ બૅટરના ઝીરો હતા.
ન્યૂ ઝીલેન્ડે ગુરુવારે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા.