બે ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાની ટેસ્ટ ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી…
માઇકલ વૉને વખોડ્યા બાદ શોએબ અખ્તરે ટીકા કરવામાં હદ કરી નાખી!
લંડન/કરાચી: ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની ટેસ્ટ ટીમ 500 રન બનાવ્યા પછી પણ એક ઇનિંગ્સથી હારી બેઠી એ સાથે પાકિસ્તાન આવી નાલેશી સાથે ટેસ્ટ-ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવી ગયું એટલે શાન મસૂદની ટીમ પર ટીકાનો વરસાદ શરૂ થઈ ગયો છે. માઇકલ વૉને પાકિસ્તાનની ટેસ્ટ ટીમને ખૂબ નબળી ગણાવી છે, જ્યારે શોએબ અખ્તરે તો ત્યાં સુધી કહ્યું છે કે ‘મને ડર છે કે પાકિસ્તાન પાસેથી ક્યાંક ટેસ્ટનો દરજ્જો પાછો ન ખેંચાઈ જાય.
આ પણ વાંચો : મુલતાનમાં ટેસ્ટ-ટીમનું નાક કપાઈ ગયા પછી પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ, બોર્ડે આંચકારૂપ નિર્ણય લીધો…
મસૂદના સુકાનમાં પાકિસ્તાન છ ટેસ્ટ રમ્યું અને છએ છ મૅચમાં હારી ગયું એનો બટ્ટો પણ મસૂદ પર લાગી ગયો છે. બીજી તરફ, ઇંગ્લૅન્ડની ટીમે અનોખા રેકૉર્ડ સાથે આ મૅચ એક દાવ અને 47 રનથી જીતી લીધી એટલે એના ભરપેટ વખાણ થઈ રહ્યા છે.
પાકિસ્તાને પ્રથમ દાવમાં 556 રન બનાવ્યા તો ઇંગ્લૅન્ડે સાત વિકેટે 823 રન બનાવીને દાવ ડિક્લેર કરી દીધો હતો અને પછી બીજા દાવમાં મસૂદની ટીમને 220 રનમાં ઑલઆઉટ કરીને મૅચ જીતી લીધી હતી. હૅરી બ્રૂક (322 બૉલમાં 317 રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. જૉ રૂટે 375 બૉલમાં 262 રન બનાવ્યા હતા અને એ તેની છઠ્ઠી ડબલ સેન્ચુરી હતી. ઑલી પૉપના સુકાનમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાની ટીમને એની જ ધરતી પર ઘેરી નામોશીમાં ધકેલી દીધી, 1-0થી સરસાઈ લીધી અને હજી બે મૅચ બાકી છે. પાકિસ્તાનની ટીમ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની રેસની લગભગ બહાર થઈ ચૂક્યું છે.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ત્યાં સુધી કહ્યું છે કે ‘પાકિસ્તાનની અત્યાર સુધીની આ સૌથી ખરાબ ટેસ્ટ ટીમ છે. મેં ક્રિકેટના ઇતિહાસમાં પાકિસ્તાનની આટલી ખરાબ ટીમ અગાઉ ક્યારેય નહોતી જોઈ. બીજી બાજુ, ઇંગ્લૅન્ડની ટીમે ઓવર દીઠ 5.5 રનની સરેરાશથી સાત વિકેટે 823 રન બનાવ્યા એ કાબિલેદાદ કહેવાય. ઇંગ્લૅન્ડના બોલર્સે (ખાસ કરીને બીજા દાવમાં) કમાલની બોલિંગ કરી અને બૅટર્સના યોગદાનો પછી પાકિસ્તાનની ટીમનો પડકાર બરાબર ઝીલી લીધો અને તેમને બીજા દાવમાં માત્ર 220 રનમાં તંબૂ ભેગા કરી નાખ્યા.’
પાકિસ્તાનના ફાસ્ટેસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના દેશની એક જાણીતી ચૅનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘પાકિસ્તાનમાં ટેસ્ટ ટીમના કંગાળ પર્ફોર્મન્સથી ક્રિકેટચાહકો ખૂબ નારાજ છે. કેટલાક ફૅન્સ તો એવું કહી રહ્યા છે કે પાકિસ્તાને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માંથી નીકળી જવું જોઈએ, કારણકે વર્તમાન ટીમ હરીફાઈમાં ઊતરવાને લાયક નથી. મને ડર છે કે આઇસીસી કદાચ એવું વિચારતી હશે કે પાકિસ્તાન પાસે ટેસ્ટનો દરજ્જો રહેવા દેવો કે પાછો ખેંચી લેવો? ઇંગ્લૅન્ડ સામેની આ નાલેશીની પાકિસ્તાન ક્રિકેટ પર તેમ જ આવનારી પેઢીના ખેલાડીઓના માનસ પર બહુ ખરાબ અસર પડશે. પાકિસ્તાન બોર્ડને મારી અરજ છે કે વહેલાસર પાકિસ્તાન ક્રિકેટમાંનો બગાડ દૂર કરો. ટીમનું જો મૅનેજમેન્ટ અને કૅપ્ટન નબળા હોય તો ટીમમાં જૂથવાદ થવાનો જ છે. કૅપ્ટન સ્વાર્થી હોય તો પણ જૂથવાદ થાય. કોચ જો કૅપ્ટનથી ડરતો હોય તો પણ આવું થાય. હું નાનપણથી જોતો આવ્યો છું કે પાકિસ્તાનમાં ટીમ સિલેક્શનની બાબતમાં કૅપ્ટનની જ મરજી ચાલતી હોય છે.
શોએબ અખ્તરે એવું પણ કહ્યું છે કે ‘પરાજય તો બધી ટીમોએ જોવો પડે. હાર તો મળે, પણ લડત તો આપવી જોઈએને. પાકિસ્તાની ટીમે આ મૅચમાં જાણે આશા છોડી જ દીધી હતી. બાંગ્લાદેશ તમને 2-0થી હરાવી ગયા અને હવે ઇંગ્લૅન્ડની ટીમે 800-પ્લસ રન ખડકી દીધા. પાકિસ્તાની ટીમનું આ ખૂબ ચિંતાજનક પતન છે.’