WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા

મુંબઈ: ગઈ કાલે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ(WPL)ની ત્રીજી સિઝનની ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ(MI vs DC)ની ટીમ વચ્ચે રમાઈ, કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની આગેવાની હેઠળ MIએ DCને 8 રનથી હરાવીને બીજી વાર WPL ટ્રોફી જીતી લીધી. બીજી તરફ, DC સતત ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી હતી પણ ફરી એક વાર રનર-અપ રહી.
આ પણ વાંચો: ફાસ્ટ ઍન્ડ ફ્યૂરિયસ: નિવૃત્ત મહિલા બોલરે ફેંક્યો વિમેન્સ ક્રિકેટનો ફાસ્ટેસ્ટ બૉલ
હરમનપ્રીતની શાનદાર બેટિંગ:
પહેલા બેટિંગ કરતા MIએ સાત વિકેટે માત્ર 149 રન બનાવ્યા હતાં. કેપ્ટન હરમનપ્રીતે 44 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાનો ફટકારીને 66 રન બનાવ્યા હતાં, પરંતુ સામે છેડે સતત વિકેટ પડતી રહી જેને કારણે મોટો સ્કોર બની શક્યો નહીં. હરમનપ્રીતે નેટ સાયવર બ્રન્ટ સાથે ત્રીજી વિકેટ માટે 62 બોલમાં 89 રનની પાર્ટનરશીપ કરી હતી.
DC ફરી ટ્રોફીથી ચુકી:
DCની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 141 રન જ બનાવી શકી. દિલ્હી કેપિટલ્સ માટે મેરિઝાન કેપ (26 બોલમાં 40), જેમિમાહ રોડ્રિગ્સ (21 બોલમાં 30) અને નિક્કી પ્રસાદ (23 બોલમાં અણનમ 25) સારા રન બનાવ્યા હતાં. MI તરફથી નેટ સાયવર બ્રન્ટે 30 આપીને 3 વિકેટ, અમેલિયા કેરે 25 રન આપીને 2 વિકેટ લીધી જ્યારે શબનીમ ઇસ્માઇલ, હેલી મેથ્યુસ અને સૈકા ઇશાકે 1-1 વિકેટ લીધી.
MIની ઉજવણી:
આમ મુંબઈ ઈન્ડિયન્સે WPLમાં બીજી વખત ટાઇટલ જીત્યું, જીત બાદ ખેલાડીઓએ શાનદાર સેલિબ્રેશન કર્યું હતું. આ દરમિયાન ટીમના દરેક ખેલાડીઓની હૈયું ખુશીથી છલકાઈ ઉઠ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત જીત પછી ટીમના માલિક નીતા અંબાણીને ભેટી પડી હતી. નેટ સાયવર બ્રન્ટને પણ નીતા અંબાણીએ ગળે લાગાડી હતી.
WPL ટાઈટલ જીત બાદ MIના ટીમના સેલિબ્રેશનના ઘણા વિડીયો સામે શેર કરવામાં આવ્યા છે, જેમાં ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળી છે, કેટલીક ખેલાડીઓ ડાન્સ કરતી પણ જોવા મળે છે.
DCના કેમ્પમાં સન્નાટો:
બીજી બાજુ, દિલ્હી કેપિટલ્સની ટીમના ખેલાડીઓનું દિલ ફરી તૂટી ગયું. હાર બાદ દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મેરિઝાન કેપ રડતી જોવા મળી હતી. લીગ ટેબલમાં ટોચ પર રહેવા છતાં અને દર વર્ષે ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવવા છતાં, દિલ્હી ફાઈનલ મેચમાં હારી ગઈ.
કોને કેટલી રકમ મળશે?
WPL ટાઇટલ વિજેતા ટીમ MI 6 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, જ્યારે હાર છતાં, દિલ્હી કેપિટલ્સની ટીમને 3 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. ટુર્નામેન્ટમાં ત્રીજા નંબરે રહેનાર, એટલે કે એલિમિનેટર મેચમાં હારેલી ગુજરાત જાયન્ટ્સને 1 થી 1.5 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.