ફૂટબૉલ મૅચ પછી પરાજિત મેક્સિકોની ટીમના કોચની આવી હાલત કરી…

સૅન પેડ્રો સુલા (હૉન્ડુરસ): મધ્ય અમેરિકાના હૉન્ડુરસ નામના દેશમાં શનિવારે મેક્સિકોની પ્રવાસી ફૂટબૉલ ટીમ હારી ગઈ ત્યાર બાદ મેક્સિકોના હેડ-કોચ જેવિયર ઍગ્વાયરને ક્રોધિત પ્રેક્ષકોએ ઘાયલ કર્યા હતા.
કૉન્કેકૅફ નૅશન્સ લીગમાં હૉન્ડુરસ સામે મેક્સિકોનો 0-2થી પરાજય થયો હતો.
આખી મૅચ રમાઈ ગયા પછી મેક્સિકોની હતાશ ટીમના કોચ મેદાનની ટચ-લાઇન પાસેથી ચાલીને હરીફ ટીમના કોચ રેઇનાલ્ડો રયૂડાને અભિનંદન આપવા તેમની સાથે હાથ મિલાવવા ગયા ત્યારે નજીક ઊભેલા કેટલાક ક્રોધિત પ્રેક્ષકોએ બિયરના કૅન ફેંક્યા હતા. એમાંના કેટલાક કૅન જેવિયરને માથા પર વાગ્યા હતા અને તેઓ ઈજા પામ્યા હતા. તેમના માથામાંથી ખૂબ લોહી નીકળ્યું હતું અને તરત જ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આ તે કેવું સ્ટંટ! હરીફ ટીમની યોજના ખોરવી નાખવા ફૂટબૉલ ટીમે જુઓ કોને મેદાન પર ઉતાર્યો?
જુલાઈમાં જેવિયર ત્રીજી વાર મેક્સિકોની ટીમના કોચ બન્યા હતા.
દરમ્યાન યજમાન હૉન્ડુરસ ફૂટબૉલ ફેડરેશને જેવિયર પરના હુમલાને વખોડ્યો હતો. ફેડરેશને ગુસ્સે ભરાયેલા પ્રેક્ષકોના આ વલણની ખૂબ ટીકા કરી હતી, પરંતુ એવું પણ એક યાદીમાં જણાવ્યું હતું કે ખુદ જેવિયરે પ્રેક્ષકોને ઉશ્કેર્યા હતા. તેમણે પ્રેક્ષકો સામે અભદ્ર સંકેતો કર્યા હતા અને ઉશ્કેરણીજનક વલણ પણ બતાવ્યું હતું. મૅચની શરૂઆતથી જ જેવિયરે હૉન્ડુરસના ફૂટબૉલપ્રેમીઓને ઉશ્કેર્યા હતા અને તેમનું આડકતરી રીતે અપમાન કર્યું હતું. સૉકરમાં આવા પ્રકારનું ગેરવર્તન જરા પણ ન ચાલે. પ્રેક્ષકોનું કે ટીવી-દર્શકોનું માન જાળવવું જ જોઈએ. અમે સ્પર્ધાના આયોજકોને અપીલ કરીએ છીએ કે ગેરવર્તન કરનાર મોટી હસ્તી સામે પગલાં ભરતા નિયમો નક્કી કરો કે જેથી આવી વ્યક્તિઓએ મેદાન પર કેવું વર્તન કરવું એનું ઉદાહરણ મળી શકે.’
જોકે હૉન્ડુરસની વિજેતા ટીમના કોચ રેઇનાલ્ડોએ આ બનાવ સંબંધમાં ભિન્ન અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે `આવી ઘટના ફરી ન બનવી જોઈએ. અહીં હૉન્ડુરસમાં તો શું, વિશ્વના કોઈ પણ ફૂટબૉલ સ્ટેડિયમમાં ન બનવી જોઈએ. આખરે જેવિયર પણ માણસ છે. તેઓ મારી સાથે હાથ મિલાવવા આવી રહ્યા હતા ત્યારે ક્રોધિત પ્રેક્ષકોએ તેમના પર બિયરના કૅન ફેંક્યા એમાંનું કોઈ કૅન મને પણ વાગી શક્યું હોત. આવો બનાવ ફરી બનવો જ ન જોઈએ.’