મેસી આજે મુંબઈમાં સચિન અને સુનીલ છેત્રી સાથે રમશે ફૂટબૉલ

જાણી લો, સુપરસ્ટાર ફૂટબોલરનો મુંબઈનો આજનો કાર્યકમ
મુંબઈ: વર્લ્ડ ચેમ્પિયન ફૂટબૉલ ખેલાડી 38 વર્ષીય લિયોનેલ મેસી શનિવારે કોલકાતા સ્ટેડિયમના કડવા અનુભવ બાદ હૈદરાબાદમાં બાળકો સાથે ફૂટબૉલ રમવાનો હળવો અનુભવ કર્યા પછી હવે સવારે મુંબઈ આવ્યો છે જ્યાં તેનું શાનદાર સ્વાગત થયું છે અને બપોર પછી તે મુખ્ય બે કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં તે ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) અને દેશના ટોચના ફૂટબૉલ ખેલાડી સુનીલ છેત્રી સાથે ફૂટબૉલ રમશે.
શનિવારની કોલકાતાના સૉલ્ટ લેક સ્ટેડિયમ જેવી અનિચ્છનીય ઘટના ન બને એ માટે મેસીની મુંબઈ-વિઝિટ સંબંધમાં મુંબઈમાં સલામતી અને ટ્રાફિક સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
મેસી ભારતની ટૂરમાં તેના ગાઢ મિત્ર અને બાર્સેલોના ટીમના ભૂતપૂર્વ સાથી ખેલાડી લુઈસ સુઆરેઝ તેમ જ ફૂટબોલર રોડ્રિગો ડિ પૉલ સાથે આવ્યો છે.
મુંબઈમાં આજનો મેસીનો કાર્યક્રમ
(1) લિયોનલ મેસી બપોરે 3.00 વાગ્યા પછી સીસીઆઇ (બ્રેબર્ન સ્ટેડિયમ)માં પેડલ GOAT કપ નામની ટૂંકી મૅચ રમશે. આ મૅચમાં મહારાષ્ટ્રના સિલેક્ટેડ અન્ડર-14 ખેલાડીઓ મેસી સાથે રમશે.
(2) વાનખેડે (Wankhede) સ્ટેડિયમના ભરચક કાર્યક્રમ માટે બપોરે 2:00 વાગ્યા પહેલા જ મહેમાનો અને ટિકિટધારક જનતા માટે ગેટ ખોલી નાખવામાં આવશે. મેસીના આગમન પહેલાં ડીજે અને મ્યૂઝિક કૉન્સર્ટ દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવશે.
(3) મેસી (Messi) સાંજે 5.00 વાગ્યા બાદ બ્રેબર્નમાં રમ્યા બાદ તેની સ્કવૉડ સાથે વાનખેડે સ્ટેડિયમમાં આવશે જ્યાં તેનું સન્માન કરવામાં આવશે. 7-7 ખેલાડીઓની સેલિબ્રિટી ફૂટબૉલ મૅચ રમાશે જેમાં મેસી સાથે સચિન તેન્ડુલકર, સુનીલ છેત્રી, શાહરુખ ખાન, જેકી શ્રોફ, જોન અબ્રાહમ, કરીના કપૂર ખાન સહિતની સેલિબ્રિટીઝ ભાગ લેશે.
(4) મેસી વાનખેડેના ગ્રાઉન્ડની પરેડમાં મહેમાનો અને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલશે.
(5) સચિન તેંડુલકર સાથે મેસીનો ફૂટબૉલ ઍન્ડ ક્રિકેટ બૅટ એક્સચેન્જ કાર્યક્રમ યોજાશે.
(6) મહારાષ્ટ્ર રાજ્યના ‘ પ્રોજેક્ટ મહાદેવ’ પ્રોજેક્ટ હેઠળ મેસી રાજ્યના 60 બાળકો (30 છોકરા, 30 છોકરી) સાથે વાતચીત કરશે તેમ જ તેમને ફૂટબૉલની ટિપ્સ આપશે અને પછીથી મેસી એક અલગ કાર્યક્રમમાં બાળકોને સ્કૉલરશિપ સર્ટિફિકેટ એનાયત કરશે.
(7) મોડી સાંજે મેસી એક પ્રાઇવેટ ચેરીટી ફેશન શોમાં હાજરી આપશે જ્યાં તે રેમ્પ પર કૅટવૉક કરશે તેમ જ 2022ના ફિફા વર્લ્ડ કપમાં પોતાની આર્જેન્ટિનાની ટીમે મેળવેલા ચેમ્પિયનપદ સાથે સંકળાયેલી કેટલીક ચીજોનું ઓકશન થશે. એ હરાજી દ્વારા ઉપજનારી રકમ ચેરીટી માટે આપી દેવામાં આવશે. મેસી પછીથી મુંબઈથી દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો…મેસ્સીનાં કાર્યક્રમમાં હોબાળો: રોષે ભરાયેલો ચાહક આખું કાર્પેટ ઉઠાવીને લઇ ગયો! જુઓ વિડીયો



