માયામીને અપાવેલું શીલ્ડ લિયોનેલ મેસીની 46મી વિક્રમજનક ટ્રોફી
કૉલમ્બસ (ઓહાયો): આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર અને વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન લિયોનેલ મેસીએ બુધવારે ઇન્ટર માયામીને મેજર લીગ સૉકર (એમએલએસ)ના ચૅમ્પિયન કૉલમ્બસ ક્રૂને 3-2થી પરાજિત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી અને એ સાથે માયામીની ટીમને (સીઝનના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બદલ) આ ટૂર્નામેન્ટની સપોર્ટર્સ શીલ્ડ નામની ટ્રોફી અપાવી હતી. મેસીએ પોતાના દેશ આર્જેન્ટિના વતી કે ક્લબો વતી જીતી હોય એવી ટ્રોફીઓમાં આ 46મો નંબર હતો અને તેની 46 ટ્રોફી મેન્સ ફૂટબૉલમાં વિશ્ર્વવિક્રમ છે. તેની સરખામણીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે આવી કુલ 33 ટ્રોફી છે.
બુધવારની મૅચમાં માયામીના ત્રણમાંથી બે ગોલ મેસીએ કર્યા હતા અને એક ગોલ લુઇસ સુઆરેઝે કર્યો હતો.
ઇન્ટર માયામી ટીમ એમએલએસમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સના વિક્રમથી જરાક જ દૂર છે. આ ટીમ 20 જીત, 4 હાર, 8 ડ્રૉના સમીકરણ સાથે કુલ 68 પૉઇન્ટ ધરાવે છે. જો મેસીના સુકાનમાં આ ટીમ છેલ્લી બે મૅચ (શનિવારે અને 19મી ઑક્ટોબરે) જીતી લેશે તો એના 74 પૉઇન્ટ થશે. એમએલએસમાં સીઝનમાં સૌથી સારો રેકૉર્ડ ન્યૂ ઇંગ્લૅન્ડ ટીમના નામે છે જેણે 2021ની સીઝનમાં 71 પૉઇન્ટ મેળવ્યા હતા.