મેસીના બે ગોલ, માયામીની સતત ત્રીજી જીત

મૉન્ટ્રિયલ : અમેરિકાની ઇન્ટર માયામી ફૂટબૉલ ક્લબની ટીમ અમેરિકામાં જ ચાલી રહેલા ફિફા ક્લબ વર્લ્ડ કપમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) સામે હારી જતાં સ્વદેશ પાછી આવી ગઈ છે, પરંતુ લિયોનેલ મેસીની આગેવાનીમાં આ ટીમે પાછા આવ્યા બાદ મેજર લીગ સૉકર (MLS)માં ફરી જીતવાનું શરૂ કરી દીધું છે.
ખુદ મેસીએ શનિવારે બે શાનદાર ગોલ કરીને ઇન્ટર માયામી (INTER MIAMI)ને વિજય અપાવ્યો હતો. આ ટીમે સીએફ મૉન્ટ્રિયલને 4-1થી હરાવી હતી.
આપણ વાંચો: પોર્ટુગલ-લિવરપુલના જાણીતા ફૂટબૉલર ડિયોગો જૉટા અને તેના ભાઈનું કાર અકસ્માતમાં મૃત્યુ
ક્લબ વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલ તબક્કો આવી ગયો છે. આઠમી જુલાઈએ પ્રથમ સેમિ ફાઇનલ ચેલ્સી અને ફ્લૂમીનેન્સ વચ્ચે અને નવમી જુલાઈએ બીજી સેમિ ફાઇનલ પીએસજી-રિયલ મૅડ્રિડ વચ્ચે રમાશે.
મૅચની બીજી જ મિનિટમાં મૉન્ટ્રિયલના પ્રિન્સ ઑવુસુના ગોલથી મૉન્ટ્રિયલે 1-0થી સરસાઈ લીધી હતી. 33મી મિનિટમાં મેસી (MESSI)એ ટૅડિયો ઍલન્ડેને ગોલ કરવામાં મદદ કરી હતી અને બન્ને ટીમ 1-1ની બરાબરીમાં થઈ ગઈ હતી. ત્યાર પછી મેસીએ 40મી ગોલ કર્યો હતો અને સ્કોર મેસીની ટીમની તરફેણમાં 2-1 થઈ ગયો હતો.
આપણ વાંચો: રૉબો રમ્યા ફૂટબૉલઃ ભવિષ્યમાં માનવી વિરુદ્ધ રૉબો ટીમ વચ્ચેના મુકાબલાની યોજના
માયામીના ડિફેન્ડરોએ સંરક્ષણની દીવાલ મજબૂત બનાવી રાખી હતી અને 60મી મિનિટમાં ટેલાસ્કૉ સેગોવિયાએ ગોલ કરીને માયામીની જીતનો માર્જિન 3-1નો કરી આપ્યો હતો.
ત્યાર બાદ બે જ મિનિટ પછી મેસીએ બીજો ગોલ કર્યો છેવટે માયામીએ મૅચ 4-1થી જીતી લીધી હતી. મેસીએ અત્યાર સુધીમાં એમએલએસની વર્તમાન સીઝનમાં 14 મૅચમાં 12 ગોલ કર્યા છે.