મેસી પગના દુખાવા છતાં રમ્યો? ગોલ કર્યો, પણ બીજી ઘણી તક ગુમાવી

ફૉર્ટ લૉડરડેલ (અમેરિકા): લિયોનેલ મેસી (Lionel Messi) ઈજામુક્ત થયા બાદ રવિવારે અમેરિકાની મેજર લીગ સૉકર (MLS) ફૂટબૉલ સ્પર્ધામાં ફરી રમ્યો અને એક ગોલ કરીને તેમ જ એક ગોલ (Goal) કરવામાં સાથી ખેલાડીને મદદ કરીને તેણે ઇન્ટર માયામીને એલએ ગૅલેક્સી ટીમ સામે 3-1થી વિજય અપાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું, પરંતુ મૅચ દરમ્યાન તેને પગમાં થોડો દુખાવો હોવાનું જણાયું હતું તેમ જ અમુક તબક્કે તેણે વધુ ગોલ કરવાની તક પણ ગુમાવી હતી.
આગામી ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવનારો મેસી પગના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે એમએલએસની બે મૅચ નહોતો રમ્યો. રવિવારની મૅચમાં તે છેક સેકન્ડ-હાફમાં રમવા આવ્યો હતો અને 84મી મિનિટમાં ગોલ કરીને ઇન્ટર માયામીને 2-1થી સરસાઈ અપાવી હતી.
આ પણ વાંચો: ઘાયલ મેસી ન રમ્યો, ઇન્ટર માયામી 1-4થી હારી ગયું…
ત્યાર બાદ મેસીએ 89મી મિનિટમાં પગની એડીથી બૉલ લુઇસ સુઆરેઝ તરફ મોકલ્યો હતો અને સુઆરેઝે ગોલ કરીને માયામીને સરસાઈ 3-1ની કરી આપી હતી. એ પહેલાં, મૅચનો પ્રથમ ગોલ માયામીના જૉર્ડી અલ્બાએ 43મી મિનિટમાં કર્યો હતો. ત્યાર પછી 59મી મિનિટમાં એલએ ગૅલેક્સીના જૉસેફ પેઇન્ટસિલે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો જેને પગલે મેસીના મૅજિકની મદદથી માયામીએ છેવટે 3-1થી વિજય મેળવ્યો હતો.
મેસીએ એમએલએસની વર્તમાન સીઝનમાં માયામી વતી કુલ 19 ગોલ કર્યા છે જે આખી ટૂર્નામેન્ટના તમામ ફૂટબોલર્સમાં હાઇએસ્ટ છે. મેસી અને તેના સાથીઓના આ પર્ફોર્મન્સથી માયામીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં છઠ્ઠા નંબર પરથી ચોથા ક્રમે આવી ગઈ છે.