પૅરાલિમ્પિક્સનો મેડલ જીતનાર ભારતીય રનરને એક સમયે લોકો મેન્ટલ અને મંકી કહીને મને ચીડવતાં…
પૅરિસ: અહીં પૅરાલિમ્પિક્સમાં 400 મીટરની રેસમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર આંધ્ર પ્રદેશના વારંગલ જિલ્લાની દીપ્તિ જીવંજીએ પુરવાર કર્યું છે કે ગમે એવી મુશ્કેલી હોય, લોકો ભલે કંઈ પણ ટીકા કરે અને ભલભલા મોટા પડકારો સામે આવ્યા હોય, પરંતુ ઍથ્લીટનું મનોબળ જો મજબૂત હોય અને અથાક પરિશ્રમ કરવાની તેની તૈયારી હોય તો મોટામાં મોટી સિદ્ધિ પણ હાંસલ કરી શકાય છે.
આ પણ વાંચો : સુમિત અંતિલે રચ્યો ઇતિહાસ, ભારતનો પહેલો એવો ઍથ્લીટ બન્યો જેણે…
ટી-20 કૅટેગરીની દિવ્યાંગ રનર દીપ્તિ જીવંજી પૅરાલિમ્પિક્સ પહેલાં જાપાનના કૉબે શહેરમાં આયોજિત વર્લ્ડ ઍથ્લેટિક્સ પૅરા ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી હોવાથી તે તેના વર્ગની વર્લ્ડ ચૅમ્પિયન છે.
દીપ્તિ જીવંજીએ મંગળવારે પૅરાલિમ્પિક્સમાં 400 મીટરની દોડ 55.82 સેકન્ડમાં પૂરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. યુક્રેનની યુલિયા શુલિયાર (55.16 સેકન્ડ) ગોલ્ડ મેડલ અને ટર્કીની વર્લ્ડ રેકૉર્ડ ધારક આયસેલ ઑન્ડર (55.23 સેકન્ડ) સિલ્વર મેડલ જીતી હતી.
આ પણ વાંચો : Paralympics 2024: ભારતને મળ્યો વધુ એક સિલ્વર મેડલ, આ ખેલાડીએ ડિસ્કસ થ્રોમાં કરી કમાલ…
માનસિક રીતે અક્ષમ દીપ્તિ જીવંજી મંગળવારે જે ચંદ્રક જીતી એ ભારતનો આ પૅરાલિમ્પિક્સનો 16મો મેડલ હતો. તેના માતા-પિતા ધનલક્ષ્મી જીવંજી અને યધાગિરી જીવંજીએ એક જાણીતા અંગ્રેજી દૈનિકને મુલાકાતમાં ક્હ્યું છે કે ‘દીપ્તિ જન્મથી જ મગજની અક્ષમતાનો શિકાર છે. માનસિક અક્ષમતાને કારણે તે સામેવાળી વ્યક્તિનું કહેવું જલદી સમજી નથી શકતી તેમ જ તેની સાથે સામાન્ય રીતે વાતચીત પણ નથી કરી શકતી. આ ખામીને કારણે નાનપણથી તેણે લોકોની ટકોર સાંભળવી પડી છે. તેનો જન્મ સૂર્ય ગ્રહણના દિવસે થયો હતો. તેનું માથું નાનું છે અને તેના હોઠ તથા નાક થોડા વિકૃત છે. અમારા ગામ કાલેડાની લગભગ દરેક વ્યક્તિ અને અમારા અમુક સગા સંબંધીઓ માટે દીપ્તિ વિચિત્ર વ્યક્તિ છે એટલે તે લોકોની ટકોર સાંભળીને જ મોટી થઈ છે. તેઓ અમારી દીકરીને એક કે એકથી વધુ વખત દીપ્તિ પિચી (મેન્ટલ) અને દીપ્તિ કોઠી (મંકી) કહીને બોલાવી ચૂક્યા છે. તેમણે અમને એવું પણ સૂચવ્યું હતું કે દીપ્તિને અનાથાલયમાં મોકલી આપો. લોકોની ટકોર સાંભળીને દીપ્તિ ઘરે દોડી આવતી અને ખૂબ રડતી. જોકે અમારી દીકરી વર્લ્ડ ચૅમ્પિયન બની અને હવે તો પૅરાલિમ્પિક્સનો મેડલ પણ જીતી છે એટલે એ બધાની બોલતી બંધ થઈ ગઈ છે અને દીપ્તિએ સાબિત કર્યું છે કે તે સ્પેશિયલ ગર્લ છે.’
દીપ્તિના દાદા ગુજરી ગયા ત્યારે જીવંજી પરિવારે ગુજરાન માટે અડધું ખેતર વેચી દેવું પડ્યું હતું. દીપ્તિના પિતા ત્યારે રોજના 100થી 150 રૂપિયા કમાતા હતા. જોકે હવે દીપ્તિ મેડલ જીતી હોવાથી તેને મોટી ઇનામી રકમ મળશે જે તેના પરિવારને ઘણી કામ લાગશે.