મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં 8 માર્ચની ફાઇનલ અમદાવાદમાં

નવી દિલ્હીઃ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઇ (BCCI)એ ભારતમાં પાંચ સ્થળ શૉર્ટ-લિસ્ટ કર્યા છે અને ફાઇનલ આઠમી માર્ચે અમદાવાદમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચશે તો એ ફાઇનલ (Final) શ્રીલંકામાં રમાશે એવું નક્કી થયું હોવાનું ગુરુવારે પીટીઆઇના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ભારતમાં જે પાંચ સ્થળ શૉર્ટ-લિસ્ટ કરવામાં આવ્યા છે એમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈનો સમાવેશ છે.
આપણ વાચો: ઇટલીએ હારવા છતાં રચ્યો ઇતિહાસ, `ઑસ્ટ્રેલિયાના’ જૉ બર્ન્સે ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું
થોડા મહિના પહેલાં એવું નક્કી કરાયું હતું કે 2027ની સાલ સુધી ભારત અને પાકિસ્તાન એકમેક વિરુદ્ધની મૅચ તટસ્થ સ્થળે રમશે. આ સંબંધમાં આઇસીસી તેમ જ બીસીસીઆઇ અને પાકિસ્તાન બોર્ડ દ્વારા સમજૂતી થઈ છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ જગતનું સૌથી મોટું સ્ટેડિયમ છે જ્યાં એક લાખથી વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. 2023માં વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના આ જ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.
2023ની એ વન-ડે સ્પર્ધાની મૅચો કુલ મળીને 10 સ્થળે રમાઈ હતી. એવું મનાય છે કે આઇસીસી આગામી ટી-20 ટૂર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ એક અઠવાડિયાની અંદર જાહેર કરશે.
આપણ વાચો: કૅનેડાને ભારત-પાકિસ્તાની મૂળના ખેલાડીઓએ ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું
ટી-20 વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે અને આઠમી માર્ચે ફાઇનલ મુકાબલો થશે. શ્રીલંકામાં કૅન્ડી તથા કોલંબો સહિત ત્રણ સ્થળે વિશ્વ કપની મૅચો રમાશે.
ભારત આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે. ગયા વર્ષે જૂનમાં બાર્બેડોઝમાં ભારતે રોહિત શર્માના સુકાનમાં ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી. એ ટૂર્નામેન્ટને અંતે રોહિત ઉપરાંત વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.



