પુરુષોની વન-ડેમાં ઇંગ્લૅન્ડ છેલ્લી સાતમાં આટલામી વન-ડે સિરીઝ હાર્યું, કિવીઓની 2-0થી સરસાઈ

હૅમિલ્ટન: 2019માં વન-ડે ક્રિકેટમાં વિશ્વવિજેતા બનનાર ઇંગ્લૅન્ડના પુરુષોની ટીમ થોડા વર્ષોથી એવી ખરાબ હાલતમાં છે કે વન-ડે સિરીઝ હારવામાં તેમણે નવો અનિચ્છનીય રેકોર્ડ કર્યો છે. ઇંગ્લૅન્ડ છેલ્લી સાતમાંથી છ સિરીઝ હાર્યું છે. એટલું જ નહીં ઇંગ્લૅન્ડે વિદેશી ધરતી પર સતત નવમી વન-ડે સિરીઝમાં પરાજય જોયો છે જે એના માટે વિક્રમ છે. આ પહેલાં ઇંગ્લૅન્ડ ક્યારેય લાગલગાટ 9 વન-ડે સિરીઝ નહોતું હાર્યું.
બુધવારે ન્યૂ ઝીલૅન્ડનો ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટે વિજય થયો હતો અને એ સાથે કિવીઓએ સિરીઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.
Why is it so that every new zealand cricketer is an acrobatic fielder? #NZvENG #willyoungpic.twitter.com/49j8KD7vYH
— SanjayGandhi (@SanjayGandhi41) October 29, 2025
હૅમિલ્ટનમાં મિચલ સૅન્ટનરના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે હૅરી બ્રૂકની બ્રિટિશ ટીમને સતત બીજી વન-ડેમાં 101 બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને હરાવી દીધી હતી અને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. ઇંગ્લૅન્ડની ટીમ 175 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં પ્રથમ મૅચ સેન્ચુરિયન કૅપ્ટન બ્રૂકના 34 રન સામેલ હતા. કિવી પેસ બોલર બ્લેર ટિકનરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. તમામ છ કિવી બોલરને વિકેટ મળી હતી. ન્યૂ ઝીલૅન્ડે ડેરિલ મિચલ (અણનમ 56) અને રચિન રવીન્દ્ર (54)ની ઇનિંગ્સની મદદથી 33.1 ઓવરમાં પાંચ વિકેટે 177 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. બોલર બ્લેર ટિકનરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ઇંગ્લેન્ડની બૅટિંગ લાઇન -અપ કાગળ પર મજબૂત છે, પરંતુ બૅટ્સમેનો જોઈએ એવું પર્ફોર્મ નથી કરતા. કેપ્ટન હૅરી બ્રૂક બહુ સારા ફોર્મમાં છે, પણ ફિલ સૉલ્ટ, ઝેક ક્રોવ્લી, જૉ રૂટ, જૉસ બટલર, જૅમી સ્મિથ, બેન ડકેટ, જેકબ બેથેલ થોડા સમયથી સતત સારું નથી રમી શક્યા. ઇંગ્લૅન્ડની બોલિંગમાં પણ કચાશ જોવા મળી રહી છે.
26 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે સિરીઝની પહેલી મૅચમાં ટીમના નવ બૅટ્સમેનના ઝીરો અથવા સિંગલ ડીજીટમાં રન હતા અને ખુદ કેપ્ટન હૅરી બ્રૂકના 135 રન હોવા છતાં ઇંગ્લૅન્ડનો એ મૅચમાં પરાજય થયો હતો. ખુદ સુકાની બ્રૂકે બુધવારે સિરીઝ હાર્યા પછી પત્રકારોને કહ્યું, ‘ અમારી ટીમમાં વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ હોવા છતાં કેમ અમે હારી રહ્યા છીએ એ જ મને નથી સમજાતું. ન્યૂ ઝીલૅન્ડે અમારાથી બધી રીતે ચડિયાતું પર્ફોર્મ કર્યું.’
આ પણ વાંચો…બાબર મેદાન પર ઊતર્યો રોહિતનો વિક્રમ તોડવા, પણ ઝીરોમાં આઉટ થઈ ગયો



