આજે બપોરે પુરુષોના એશિયા કપ અને મહિલાઓના વર્લ્ડ કપની ટીમનાં સિલેક્શન

મુંબઈ: પુરુષોની ટી-20 ક્રિકેટમાં નવમી સપ્ટેમ્બરથી યુએઈમાં એશિયા કપ (Asia Cup) રમાશે અને 30મી સપ્ટેમ્બરથી ભારત તથા શ્રીલંકામાં સંયુક્ત રીતે મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ (World cup) શરૂ થશે અને આ બંને મોટી સ્પર્ધા માટેની ટીમનાં સિલેક્શન (Team selection) આજે બપોરે કરવામાં આવશે.
સૂર્યકુમાર યાદવ લગભગ બે વર્ષથી ટી-20 ટીમનો કેપ્ટન અને સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી બાદ હવે તે ફુલ્લી ફિટ છે. એશિયા કપ માટે તેને જ સુકાન સોંપવામાં આવશે એ લગભગ નક્કી છે, પરંતુ ટેસ્ટના સુકાની શુભમન ગિલને ટી-20 ટીમમાં ફરી સમાવવો કે નહીં એના પર સિલેક્ટરો વચ્ચે ચર્ચા જરૂર થશે.
તાજેતરની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝના સૌથી સફળ પેસ બોલર મોહમ્મદ સિરાજને એશિયા કપની ટીમમાં સમાવાશે એ પણ શક્ય નથી લાગતું.
જોકે આઠ દેશ વચ્ચેના એશિયા કપ માટેની ટીમ નક્કી કરવા માટે અજિત આગરકર અને તેમની કમિટી પાસે પચીસથી પણ વધુ વિકલ્પો છે. ખાસ કરીને પાકિસ્તાન સામે 14મી સપ્ટેમ્બરે અને ત્યાર પછી કદાચ 21મી સપ્ટેમ્બરે અને 28મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાનારી મૅચને ધ્યાનમાં રાખીને સિલેક્ટરો ટીમ નક્કી કરશે.
મહિલા ક્રિકેટરોની સિલેક્શન કમિટીનું અધ્યક્ષસ્થાન ભૂતપૂર્વ ક્રિકેટર નીતુ ડેવિડ સંભાળે છે. તેમની અધ્યક્ષતામાં જે 15 ખેલાડીઓને વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવશે એનાં નેતૃત્વની જવાબદારી હરમનપ્રીત કૌરને સોંપવામાં આવશે અને સ્મૃતિ મંધાના ફરી વાઈસ કેપ્ટન નિયુક્ત થશે, પરંતુ પસંદગીકારો માટે સૌથી મોટો પ્રશ્ન એ હશે કે ઓપનર શેફાલી વર્માને આ ટીમમાં સામેલ કરવી કે નહીં.
બૅટિંગ લાઈન-અપમાં સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર જેમાઈમા રૉડ્રિગ્સ, વિકેટકીપર રિચા ઘોષ, પ્રતિકા રાવલ તેમ જ હર્લીન દેઓલ નક્કી છે. એ જોતાં સાધારણ ફોર્મ ધરાવતી ઓપનર શેફાલી વર્માને ટીમમાં સમાવવી કે નહીં એ વિશેનો નિર્ણય સિલેક્ટર્સ માટે અઘરો બની રહેશે.
આ પણ વાંચો…બુમરાહ એશિયા કપમાં રમશે કે નહીં? સિલેક્ટરોને કહી દીધી `મન કી બાત’