સ્પોર્ટસ

લેનિંગની કૅપ્ટન્સ ઇનિંગ્સ, પણ આઠ રન માટે `પ્રથમ સદી’ ચૂકી ગઈ…

લખનઊઃ મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં આજે દિલ્હી કૅપિટલ્સને કૅપ્ટન મેગ લેનિંગે (92 રન, 57 બૉલ, એક સિક્સર, પંદર ફોર) તેની ટીમને 177/5નો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો. જોકે આ વખતની ટૂર્નામેન્ટની પ્રથમ સદી આઠ રન માટે ચૂકી ગઈ હતી.

ગુજરાત જાયન્ટ્સે બૅટિંગનું આમંત્રણ આપ્યા પછી દિલ્હીની ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. લેનિંગ અને શેફાલી વર્મા (40 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 83 રનની બહુમૂલ્ય ઓપનિંગ ભાગીદારી થઈ હતી.

ત્યાર બાદ કોઈ પણ બીજી બૅટરનો લેનિંગને લાંબા સમય સુધી સાથ નહોતો મળ્યો એમ છતાં લેનિંગ જાણે એકલા હાથે ટીમના સ્કોરને 150-પ્લસ સુધી લઈ ગઈ હતી.

Also read : ન્યૂ ઝીલૅન્ડ માટે માઠાં સમાચાર, પણ ભારતને એનાથી મોટો ફાયદો થઈ શકે…

ઍનાબેલ સધરલૅન્ડે 14 રન બનાવ્યા હતા જે દિલ્હીની ઇનિંગ્સમાં થર્ડ-હાઇએસ્ટ હતા.
ગુજરાત વતી મેઘના સિંહે ત્રણ તેમ જ ડીએન્ડ્રા ડૉટિને બે વિકેટ લીધી હતી.
કાશ્વી ગૌતમ, તનુજા કંવર, ઍશ ગાર્ડનર અને પ્રિયા મિશ્રાને એક પણ વિકેટ નહોતી મળી શકી.

પ્લે-ઑફમાં પહોંચવા ઝઝૂમી રહેલી ઍશ ગાર્ડનરના સુકાન હેઠળની ગુજરાતની ટીમે ખરાબ શરૂઆત કરી હતી અને આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં બીજી જ ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ 12 ઓવરમાં બે વિકેટે 97 રન બનાવ્યા હતા અને એણે જીતવા 45 બૉલમાં બીજા 80 રન બનાવવાના બાકી હતા.

આ મૅચ પહેલાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને, મુંબઈની ટીમ બીજા નંબરે, ગુજરાતની ટીમ ત્રીજા ક્રમે, ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેન્ગલૂરુની ટીમ ચોથા સ્થાને અને યુપીની ટીમ પાંચમા નંબરે હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button