IPL 2024સ્પોર્ટસ

મુંબઈના નવા સ્ટાર નમન ધીર અને બેન્ગલૂરુના મહિપાલ લૉમરોરને ઓળખો

હૈદરાબાદ: મુંબઈ ઇન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદેલા નમન ધીરે રવિવારે ગુજરાત સામેની મૅચમાં વનડાઉનમાં રમીને દસ બૉલમાં એક સિક્સર, ત્રણ ફોરની મદદથી 20 રન બનાવ્યા હતા. જોકે તે થોડી લાંબી ઇનિંગ્સ રમ્યો હોત તો મુંબઈને ગુજરાત સામે વિજય મળી ગયો હોત. રોહિત શર્મા સાથે તેની 30 રનની ટૂંકી ભાગીદારી થઈ હતી.

24 વર્ષનો ધીર હરિયાણાનો માત્ર છ ટી-20 મૅચ રમ્યો છે જેમાં કુલ માત્ર 59 રન બનાવ્યા છે. 14 ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેણે 18 સિક્સર અને 59 ફોર ફટકારી છે. તેણે બે સેન્ચુરીની મદદથી કુલ 574 રન ફટકાર્યા છે.

પંજાબમાં નમન ધીર સિક્સર સ્પેશિયલિસ્ટ અને હાર્ડ-હિટર તરીકે જાણીતો છે. રવિવારે ટીમ મૅનેજમેન્ટ જેમાં કૅપ્ટન હાર્દિક તેમ જ બૅટિંગ કોચ પોલાર્ડ અને ટીમના સિનિયર પ્લેયર્સનો સમાવેશ હતો તેમણે નમન ધીરને ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, ટિમ ડેવિડની પહેલાં મોકલ્યો હતો. ખુદ હાર્દિક સાતમા સ્થાને રમ્યો હતો જે તેની (હાર્દિકની પોતાની) ભૂલ હતી. નમન ધીર ગુજરાતના ઓમરઝાઈના બૉલમાં એલબીડબ્લ્યૂમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

નમન ધીર ઑફ સ્પિનર પણ છે અને આઠ વિકેટ લઈ ચૂક્યો છે.
24 વર્ષનો મહિપાલ લૉમરોર મૂળ રાજસ્થાનનો છે અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુની ટીમમાં છે. બેન્ગલૂરુએ તેને 95 લાખ રૂપિયામાં રીટેન કર્યો છે. સોમવારે તેણે અણનમ એક સિક્સર, બે ફોરની મદદથી 17 રન બનાવ્યા હતા અને કાર્તિક (અણનમ 28) સાથે 48 રનની અતૂટ ભાગીદારી કરી હતી. લૉમરોર અને કાર્તિકની જોડીએ જ બેન્ગલૂરુને જીત અપાવીને વિરાટ કોહલીની મહેનત પાણીમાં નહોતી જવા દીધી.

લૉમરોરે કુલ 91 ટી-20 મૅચમાં 73 સિક્સર અને 151 ફોરની મદદથી કુલ 1883 રન બનાવ્યા છે. એમાં તેની 11 હાફ સેન્ચુરી સામેલ છે. તેણે રાજસ્થાન વતી રમેલી 49 ફર્સ્ટ ક્લાસ મૅચમાં છ સેન્ચુરીની મદદથી 2782 રન બનાવ્યા છે. તે લેફ્ટ-આર્મ સ્પિનર પણ છે. પાંચ-છ વર્ષ પહેલાં અન્ડર-19 વર્લ્ડ કપની ટીમમાં તેનો સમાવેશ થયો હતો અને શ્રીલંકામાં એક સિરીઝમાં ઇંગ્લૅન્ડ સામેની ફર્સ્ટ-ક્લાસ મૅચમાં તેણે 10 રનમાં ચાર વિકેટ લીધી હતી જેને પગલે તેને દિલ્હી ડેરડેવિલ્સે 10 લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો. તે રાજસ્થાન રૉયલ્સ ટીમમાં પણ હતો અને હવે બેન્ગલૂરુની ટીમમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button