જુનિયર વર્લ્ડ રેસલિંગમાં ભારતને મેડલ, ત્રણ મહિલા કુસ્તીબાજ સેમિમાં

અમ્માન (જોર્ડન): ઑલિમ્પિક્સમાં મેડલ ન મેળવી શકનાર ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટનો પૅરિસનો ફેરો ફોગટ ગયો, પરંતુ જુનિયર રેસલર રોનક દહિયાએ અન્ડર-17 વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ચંદ્રક જીતી લીધો છે. દહિયા 110 કિલોની જુનિયર ગ્રીકો-રોમન કૅટેગરીમાં વર્લ્ડ નંબર-ટૂ છે અને તેણે મંગળવારે રાત્રે ત્રીજા નંબરે આવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.
દહિયાએ બ્રૉન્ઝ માટેના મુકાબલામાં ટર્કીના એમરુલ્લા કૅપ્કાનને 6-1થી પરાજિત કર્યો હતો.
આ ચૅમ્પિયનશિપમાં ભારતને પ્રથમ મેડલ દહિયાએ અપાવ્યો છે. તેના વર્ગમાં ગોલ્ડ મેડલ યુક્રેનના ઇવાન યાન્કૉવ્સ્કીએ મેળવ્યો હતો, જ્યારે સિલ્વર મેડલ હંગેરીના ઝૉલ્ટાન ઝાકોએ મેળવ્યો હતો. દહિયાને ઝાકોએ જ સેમિ ફાઇનલમાં જતા રોક્યો હતો.
બીજી તરફ, મહિલા વર્ગમાં અદિતી કુમારી (43 કિલો વર્ગ), નેહા (57 કિલો) અને પુલકિત (65 કિલો) સેમિ ફાઇનલમાં પહોંચતાં ભારતને વધુ મેડલ મળવાની આશા જાગી છે.