સ્પોર્ટસ

ટેસ્ટ ક્રિકેટ માટે બદલાયો એક નિયમઃ મહિલા-મૅચ માટેના બૉલના વજનમાં ફેરફાર અને `લૅમિનેટેડ બૅટની છૂટ’

લંડનઃ ક્રિકેટના નિયમો ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા ઘડવામાં આવતા હોય છે અને આ બ્રિટિશ સંસ્થાએ 73 જેટલા કાયદામાં નાના-મોટા ફેરફાર કર્યા છે જેમાં ખાસ કરીને એક સૌથી મોટો ફેરફાર ટેસ્ટ ક્રિકેટ (TEST CRICKET)ને લગતો છે.

એમસીસીએ ટેસ્ટ ક્રિકેટના એક નિયમ (RULE)માં જે ફેરફાર (CHANGES) કર્યો છે એનાથી આ ફૉર્મેટમાં રોમાંચ વધશે. આ ફેરફાર પાંચ દિવસની ટેસ્ટ મૅચમાં પ્રત્યેક દિવસે છેવટના ભાગ દરમ્યાન બનતી ઘટના સંબંધમાં છે.

એમસીસીએ કરેલા ફેરફાર અનુસાર જો ટેસ્ટ મૅચ દરમ્યાન દિવસની આખરી ઓવરમાં વિકેટ પડશે તો એ દિવસની રમતને ત્યાં જ નહીં અટકાવવામાં આવે. એ અંતિમ ઓવર પૂરી ન થાય ત્યાં સુધી (છેલ્લા બૉલ સુધી) એ દિવસની રમત ચાલુ રહેશે.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ટેસ્ટમાં કોઈ દિવસે છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો રમતને અમ્પાયર ત્યાં જ અટકાવી દેતા હોય છે અને એ ઓવરના બાકી રહેલા બૉલ પછીના દિવસે શરૂઆતમાં ફેંકવામાં આવે છે અને એ રીતે એ અધૂરી ઓવર પૂરી કરવામાં આવે છે.

આપણ વાચો: ટેસ્ટ અને વન-ડે ક્રિકેટના નિયમોમાં થશે મોટા બદલાવ, ICC લઇ શકે છે મોટા નિર્ણય

હાલમાં દિવસની અંતિમ ઓવરમાં વિકેટ પડે તો રમત ત્યાં જ અટકાવી દેવામાં આવતાં બૅટિંગ કરતી ટીમ પોતાની રણનીતિ મુજબ પછીના દિવસે નવા બૅટ્સમૅનને રમવા મોકલે છે.

જોકે એમસીસીના ફેરફાર મુજબ હવે અંતિમ ઓવરમાં પાંચમા બૉલ પર પણ જો વિકેટ પડશે તો એ ઓવર (બૅટિંગ ટીમે નવા બૅટ્સમૅનને બોલાવીને) એ જ દિવસે એ ઓવર પૂરી કરવી પડશે કે જેથી ફીલ્ડિંગ કરતી ટીમ હરીફ ટીમ પરનું દબાણ ચાલુ રાખી શકે.

મહિલા ક્રિકેટ અને જુનિયર ક્રિકેટ (અન્ડર-13માં) વપરાતા બૉલના વજન-કદમાં નજીવો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી મહિલા ક્રિકેટમાં બૉલનું વજન 140થી 151 ગ્રામ વચ્ચેનું હોય છે અને બૉલની સાઇઝ 21-22.5 સેન્ટિમીટર હોય છે.

આપણ વાચો: આઇસીસીએ અપનાવ્યા નવા નિયમોઃ અમ્પાયરોને વધુ સત્તા, ટેસ્ટમાં પણ સ્ટૉપ ક્લૉકનું ટિક…ટિક…ટિક…

નવા નિયમ મુજબ હવેથી બૉલનું વજન 140થી 149 ગ્રામ વચ્ચેનું રહેશે અને બૉલનું વજન 21.5થી 22.00 સેન્ટિમીટર રહેશે. જુનિયર ક્રિકેટમાં અત્યાર સુધી બૉલનું વજન 133-144 ગ્રામ અને સાઇઝ 20.5-22.00 સેન્ટિમીટર હોય છે.

હવે આ ક્રિકેટ માટેના બૉલનું વજન 140-144 ગ્રામ અને સાઇઝ 20.5-21 સેન્ટિમીટર રહેશે. પુરુષોની મુખ્ય ક્રિકેટમાં વપરાતા બૉલના વજન કે કદમાં કોઈ ફેરફાર નથી કરાયો.

ઓપન એજ ક્રિકેટ (ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ અનુસાર 13-પ્લસ ક્લબ ક્રિકેટ તેમ જ રીક્રિએશનલ ક્રિકેટ)માં હવે એમસીસીએ લૅમિનેટેડ બૅટનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. વિશ્વભરમાં બૅટનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો હોવાથી એમસીસીએ આ ખર્ચ-વધારાને ધીમો પાડવા આ નવો ફેરફાર કર્યો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button