એમસીસીએ કહ્યું, બાઉન્ડરી લાઇન નજીકના આ પ્રકારના કૅચ હવે કાયદેસર નહીં ગણાય
ક્રિકેટના કાયદા ઘડતી સંસ્થાએ કહ્યું, ` ફીલ્ડર હવામાં ઉછળીને પણ ફક્ત એક જ વાર બૉલને અડી શકશે'

લંડનઃ દાયકાઓથી ક્રિકેટના કાયદા ઇંગ્લૅન્ડ-સ્થિત મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) ઘડે છે અને ક્રિકેટની રમતનું સંચાલન કરતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા એ કાયદાઓનો અમલ કરવામાં આવે છે અને એ સંદર્ભમાં એમસીસીએ ખાસ જણાવ્યું છે કે બાઉન્ડરી લાઇન (BOUNDARY LINE) નજીકના બની હૉપ’ પ્રકારનો કૅચ હવે પછી ગેરકાયદેસર (ILLEGAL) ગણવામાં આવશે. આ અહેવાલ વાંચીને ઘણા વિચારતા હશે કે ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્દિક પંડ્યાની નિર્ણાયક (20મી) ઓવરમાં બાઉન્ડરી લાઇનને આરપાર જઈને સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરનો જે અફલાતૂન કૅચ ઝીલ્યો હતો એ પ્રકારનો કૅચ (catch) ગેરકાયદેસર ગણાશે? એનો જવાબ છે નહીં.’ એમસીસીના મતે આ પ્રકારના કૅચ કાયદેસર જ ગણાશે, પરંતુ 2023ની બિગ બૅશમાં માઇકલ નેસરે જૉર્ડન સિલ્ક નામના બૅટ્સમૅનનો જે રીતે કૅચ ઝીલ્યો એ કાયદેસર નહીં ગણાય. બીજું, 2020ની સાલમાં બિગ બૅશમાં જ ટૉમ બૅન્ટને મૅથ્યૂ રેન્શૉની મદદથી વૉલીબૉલની સ્ટાઇલથી મૅથ્યૂ વેડનો જે કૅચ પકડ્યો હતો એવો કૅચ પણ હવે કાનૂની નહીં ગણાય.
થોડા વર્ષોથી ભારત, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા સહિતના કેટલાક દેશોના ફીલ્ડર્સ બાઉન્ડરી લાઇનને આરપાર જઈને કૅચ પકડતા હોય છે અને એવા પ્રકારના કૅચ કાયદેસર ગણાશે એવો ખુલાસો એમસીસી દ્વારા કરવામાં આવ્યો છે.
નેસરનો કયો કૅચ ગેરકાયદેસર?
2023માં માઇકલ નેસરે અદ્ભુત કૅચ પકડ્યો હતો, પણ એવો કૅચ હવે કાયદેસર નહીં ગણાય. એમાં તેણે બાઉન્ડરી લાઇનની નજીક બૉલ ઝીલી લીધા બાદ પોતે લાઇનની બહાર જતો રહેશે એવા ભયથી બૉલને બાઉન્ડરી લાઇનની બહાર ઊંચે હવામાં મોકલ્યો હતો, પોતે લાઇનની બહાર ગયો અને બૉલ ઝીલી લીધો, પરંતુ તેણે ફરી વાર (લાઇનની બહારના ભાગમાં જ) બૉલ હવામાં ફરી ઉછાળ્યો હતો અને ત્યારે તે કૂદ્યો હોવાથી પોતે પણ હવામાં અધ્ધર હતો અને તેણે અધ્ધર રહીને જ બૉલ બાઉન્ડરી લાઇનની અંદર તરફ હવામાં ફેંક્યો હતો અને લાઇનની અંદર જઈને કૅચ ઝીલી લીધો હતો. આમ, તેણે બૉલને હવામાં બે વખત ઉછાળ્યો હતો. બીજી રીતે કહીએ તો કૅચ આવ્યા બાદ તે બે વખત બૉલને અડ્યો હતો અને કુલ ત્રીજા પ્રયાસમાં તેણે કૅચ પકડ્યો હતો. આમ, તેણે બે વખતે બૉલને અડ્યા બાદ ત્રીજા પ્રયત્નમાં બૉલને પોતાના કબજામાં કર્યો હતો જે કૅચ કહેવાયો હતો.
વૉલીબૉલ સ્ટાઇલનો કયો કૅચ ગેરકાનૂની?
2020ની બિગ બૅશમાં ટૉમ બૅન્ટને મૅથ્યૂ રેન્શૉની મદદથી વૉલીબૉલની સ્ટાઇલથી મૅથ્યૂ વેડનો જે કૅચ પકડ્યો હતો એવો કૅચ પણ હવે કાનૂની નહીં ગણાય. એમાં એક ફીલ્ડર બાઉન્ડરીની બહાર જતાં પહેલાં બૉલ ઝીલ્યા બાદ હવામાં ઉછાળે છે અને બાઉન્ડરીની બહારથી વૉલીબૉલની સ્ટાઇલમાં બૉલને સાથી ફીલ્ડર તરફ મોકલે છે અને તે કૅચ ઝીલી લે છે. આ પ્રકારના કૅચ પર પણ એમસીસીએ પ્રતિબંધ મૂકયો છે.
ગજબ થઈ ગયું! આખી ટીમ ફક્ત બે રનમાં ઑલઆઉટ, છ રનનો 215 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તૂટ્યો
એમસીસીએ `બની હૉપ કૅચ’ વિશે કયો ખુલાસો કર્યો?
આઇસીસી આ મહિને એમસીસી દ્વારા થનારા નિયમમાં ફેરફારને લાગુ કરશે. એમસીસીએ જણાવ્યું છે કે `જે કૅચ પર અમે પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છીએ એ કૅચ ફીલ્ડરના કૌશલ્ય મુજબ દર્શનીય કહેવાય, પરંતુ મોટા ભાગની ક્રિકેટલક્ષી જનતાની દૃષ્ટિએ આવા કૅચ અવ્યવહારું કહેવાય. ખાસ કરીને માઇકલ નેસરના 2023ની સાલના કૅચની વાત કરીએ તો નેસર એમાં બાઉન્ડરી લાઇનની બહાર ઘણો દૂર જતો રહ્યો હતો અને બહાર જઈને પણ તેણે (ભલે હવામાં અધ્ધર રહીને જ) બૉલ ઝીલીને બાઉન્ડરી લાઇનની અંદર ફેંક્યો હતો, પરંતુ અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે જો કોઈ ફીલ્ડર હવામાં બૉલને પહેલી વાર ઉછાળ્યા બાદ બીજી વાર બૉલને અડે ત્યારે તે બાઉન્ડરી લાઇનની અંદર જ હોવો જોઈએ. તો જ એ કૅચ ગણાશે. નહીં તો, બૅટિંગ કરતી ટીમને ફોર (ચાર રન) આપી દેવાશે. બાઉન્ડરી લાઇનની બહારના બની હૉપ કૅચ પર પ્રતિબંધ જ મૂકાશે. જો કોઈ ફીલ્ડર બાઉન્ડરી લાઇનની અંદરથી જ બૉલને હવામાં ઉછાળશે, બાઉન્ડરી લાઇનની બહાર જતા રહ્યા પછી પાછો બાઉન્ડરી લાઇનની અંદર આવીને કૅચ પકડશે એ જ કાયદેસર કૅચ કહેવાશે.’
રિલે કૅચ વિશે પણ એમસીસીનો નવો નિયમ
એમસીસીએ રિલે કૅચ વિશે પણ સ્પષ્ટતા કરી છે. ક્રિકેટના કાયદા બનાવતી અને એમાં ફેરફાર કરતી આ બ્રિટિશ સંસ્થાએ જણાવ્યું છે કે ` જો કૅચ આવે તો ફીલ્ડર બાઉન્ડરી લાઇનની બહાર જતાં પહેલાં બૉલને હવામાં ઉછાળીને બાઉન્ડરી લાઇનની બહાર જતો રહે અને બહારથી બૉલને ફરી અડીને (હવામાં ઉછાળીને) લાઇનની અંદર ઊભેલા સાથી ફીલ્ડર તરફ ફેંકે અને તે કૅચ ઝીલી લે તો એવો રિલે કૅચ પણ કાયદેસર નહીં ગણાય. ટૂંકમાં, કોઈ પણ ફીલ્ડરે બાઉન્ડરી લાઇનની બહાર જઈને કૂદકો માર્યો હોય તો એ પછી એક જ વાર હવામાં ઉછાળેલા બૉલને અડી શકશે. બીજી રીતે કહીએ તો ફીલ્ડર એકથી વધુ વખત બૉલને અડીને હવામાં ઉછાળતો રહેશે કે એકથી વધુ વખત અડીને પછી સાથી ખેલાડીને પાસ કરશે તો એ કૅચ નહીં ગણાય.’
પીટીઆઇના અહેવાલ અનુસાર નવો નિયમ 17મી જૂને શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ થનારી ટેસ્ટ સાથે આરંભ થનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવી સીઝનથી લાગુ કરવામાં આવશે.