ગાવસકર, ઘાવરી સહિત વાનખેડેની પ્રથમ મૅચના દરેક ખેલાડીને 10 લાખ રૂપિયાનો પુરસ્કાર…

મુંબઈઃ 1974-’75માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ કક્ષાની ક્રિકેટની જે સૌપ્રથમ મૅચ રમાઈ હતી એમાં મુંબઈ વતી ભાગ લેનાર પ્રત્યેક ખેલાડીને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) તરફથી 10 લાખ રૂપિયાનો રીવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
વાનખેડે સ્ટેડિયમને 50 વર્ષ પૂરા થયા એ નિમિત્તે સેલિબે્રશન-સપ્તાહ ચાલી રહ્યું છે અને પીટીઆઇના અહેવાલ મુજબ બુધવારના સમારોહમાં આ ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. 50 વર્ષ પહેલાંની મુંબઈની સૌપ્રથમ મૅચની ટીમના અગિયારમાંથી આઠ ખેલાડી જીવિત છે અને તેમને માટેના ઇનામની જાહેરાત કરાઈ હતી. આ આઠ પ્લેયર્સમાં સુનીલ ગાવસકર, કરસન ઘાવરી, પદમાકર શિવાલકર, ફરોખ એન્જિનિયર, અજિત પઇ, મિલિંદ રેગે, અબ્દુલ ઇસ્માઇલ અને રાકેશ ટંડનનો સમાવેશ છે.
આ પણ વાંચો : બીસીસીઆઇની મીટિંગમાં સનસનાટીભર્યા ખુલાસા, ક્રિકેટરો માટે બનાવાયા સખત નિયમો
આ આઠમાંથી પાંચ ખેલાડી (ઘાવરી, શિવાલકર, પઈ, રેગે, ઇસ્માઇલ) બુધવારના સમારંભમાં ઉપસ્થિત હતા.
મુંબઈની સૌપ્રથમ ટીમના સન્માનના કાર્યક્રમમાં એમસીએના સેક્રેટરી અભય હડપ દ્વારા ઇનામની આ જાહેરાત કરાઈ હતી.
એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇકે સમારોહને સંબોધતા કહ્યું, `અમે વાનખેડેના રત્ન સમા આ ખેલાડીઓ માટે (દરેક પ્લેયર માટે) 10 લાખ રૂપિયાના રીવૉર્ડની જાહેરાત કરવામાં અત્યંત આનંદ અનુભવીએ છીએ.’
એમસીએ દ્વારા ભૂતકાળના (1975ની સાલ પછીના) અધિકારીઓનું તેમ જ અન્ય અધિકારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું તેમ જ મેદાનના માળીઓના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.