મયંક અગરવાલે પાણી સમજીને રહસ્યમય લિક્વિડ પી લીધું હતું
અગરતલા: ભારતીય ક્રિકેટર અને કર્ણાટકના કૅપ્ટન મયંક અગરવાલે મંગળવારે અગરતલાથી દિલ્હી જતી ઇન્ડિગો ઍરલાઇનની ફ્લાઇટમાં બેસતાં જ પોતાની સીટ પરનું પાઉચ ઉપાડીને એમાં પીવાનું પાણી હોવાનું માનીને પી લીધું હતું, પરંતુ એમાં એક પ્રકારનું લિક્વિડ હતું જેને કારણે તેની તબિયત બગડી ગઈ હતી, પરંતુ હવે તેને ઘણું સારું છે અને પરિવાર સાથેની ફોન પરની વાતચીત બાદ બેન્ગલૂરુ પહોંચી ગયો છે જ્યાં તે વધુ શારીરિક તપાસ માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર કરાવશે.
મયંક અગરતલામાં કર્ણાટકને રણજી ટ્રોફી મૅચમાં જિતાડ્યા પછી ટીમ સાથે દિલ્હી થઈને સુરત પહોંચવાનો હતો, પરંતુ ફ્લાઇટ ટેક-ઑફ થઈ એ પહેલાં જ તેની તબિયત (પાઉચમાંનું લિક્વિડ પીવાને કારણે) બગડી ગઈ હતી, તેને બે વૉમિટ થઈ હતી અને થોડી જ વારમાં ફ્લાઇટ ફરી નિયત સ્થાને પાછી લાવવામાં આવી હતી અને મયંકને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે સુરતમાં રેલવે સામેની મૅચમાં નહીં રમે અને નિકીન જોઝ સુકાન સંભાળશે.
અગરતલાની હૉસ્પિટલે બહાર પાડેલા બુલેટિન મુજબ મયંકને એ લિક્વિડ પીવાને પગલે મોંઢામાં બળતરા થઈ હતી તેમ જ અલ્સર થઈ ગયા હતા અને તેના હોઠ સૂજી ગયા હતા. કર્ણાટકના ટીમ-મૅનેજરે મયંક વતી ત્રિપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી અને વિમાનની સીટ પરના પાઉચ બાબતમાં તપાસ કરવાની માગણી કરી હતી.
32 વર્ષનો મયંક ભારત વતી 2018થી 2022 દરમ્યાન 21 ટેસ્ટ અને પાંચ વન-ડે રમ્યો છે. 1,500થી વધુ ઇન્ટરનૅશનલ રન તેના નામે છે.