ક્રિકેટર ‘Mayank Agarwal’ સામે કાવતરું? પ્લેનમાં પાણી પીતા જ તબિયત લથડી

અગરતલા: ક્રિકેટર મયંક અગ્રવાલે આરોપ લગાવ્યા છે કે કોઈએ તેની સામે કાવતરું રચ્યું છે. તેનાથી તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મંગળવારે કર્ણાટક રાજ્યની ટીમના કેપ્ટન અને લાંબા સમયથી ભરતીય ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ ત્રિપુરાના અગરતલાથી નવી દિલ્હી માટે ટેક ઓફ કરવા માટે તૈયાર પ્લેનમાં અચાનક બીમાર પડ્યો હતો, તેને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મયંકે કેટલાક ષડયંત્રનો આરોપ લગાવતા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
અહેવાલો અનુસાર, મયંકે ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં તેની સીટ સામે રાખવા આવેલા એક પાઉચમાંથી લિક્વિડને પાણી સમજીને પીધું. તે પીધા પછી તે બીમાર પડી ગયો. તેના ગળામાં બળતરા થવા લાગી હતી અને તેને ઉલ્ટી પણ થઈ હતી. જો કે હવે તેની હાલત હવે સ્થિર છે અને તે ખતરાની બહાર છે. મયંકે તેના મેનેજર મારફત પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.
પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, મયંક અગ્રવાલની હાલત સ્થિર છે, પરંતુ તેના મેનેજરે આ મામલે તપાસ કરવા ફરિયાદ નોંધાવી છે. તેના મેનેજરે કહ્યું છે કે જ્યારે તે પ્લેનમાં બેસી રહ્યો હતો ત્યારે તેની સામે એક પાઉચ રાખવામાં આવ્યું હતું. તેણે તેમાંથી થોડું પીધું, પરંતુ અચાનક તેનું મોં બળવા લાગ્યું અને તે કશું બોલી શશકતો ન હતો અને તેને ILS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. તેના મોઢામાં સોજો આવી ગયો છે અને ચાંદા પડી ગયા છે. જો કે તેની હાલત સ્થિર છે.
રાજ્યના આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, પોલીસે તેમની ફરિયાદ નોંધી લીધી છે અને અમે મામલાની તપાસ કરીશું. મયંકના મેનેજરના કહેવા પ્રમાણે, તે હવે બેંગલુરુ જશે અને તે દરમિયાન અમે તેને અગરતલામાં જે પણ સારી સારવાર ઉપલબ્ધ થશે તે પૂરી પાડીશું.