IPL 2024સ્પોર્ટસ

આરસીબી (RCB)ને પાંચમી વાર પણ 18મી મેની તારીખ ફળી?: કોહલી (Virat Kohli)ના 3,000 રન અને 9,000 રનના રેકૉર્ડ

આરસીબી ટી-20ની એક સીઝનમાં 150-પ્લસ સિક્સર ફટકારનાર પ્રથમ ટીમ

બેન્ગલૂરુ: શનિવારની રાતથી બેન્ગલૂરુના ક્રિકેટપ્રેમીઓમાં જશન ચાલી રહ્યો છે અને ચેન્નઈમાં સન્નાટો છવાયો છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની બધે બોલબાલા છે અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે લીગ રાઉન્ડમાં જ આઇપીએલની વર્તમાન સીઝનમાંથી એક્ઝિટ કરી એનો માત્ર સીએસકેના જ નહીં, પણ એના હરીફ ક્રિકેટલવર્સને પણ અફસોસ છે. વિરાટ કોહલી સર્વસ્વ છવાઈ ગયો છે, જ્યારે એમએસ ધોની સ્તબ્ધ છે. જોકે આ બધા વળાંકો વચ્ચે એક વાત ખાસ કહેવાની કે આરસીબીને 18મી મે ફરી એકવાર ફળી છે. બીજી તરફ, કોહલીએ આઇપીએલમાં એક જ મેદાન પર 3,000-પ્લસ રનનો નવો વિક્રમ રચ્યો છે અને એક જ દેશમાં ટી-20માં 9,000 રન બનાવનારો તે પ્રથમ ખેલાડી પણ બન્યો છે. તેણે આ 9,000 રન ભારતમાં (આઇપીએલ + ટી-20 ઇન્ટરનૅશનલ મૅચો) બનાવ્યા છે.

આરસીબીની ટીમ 18મી મેએ જે પાંચ મૅચ રમી છે એ પાંચેય મૅચમાં આરસીબીએ વિજય મેળવ્યો છે: 2013માં, 2014માં અને 2024માં ચેન્નઈ સામે તેમ જ 2016માં પંજાબ સામે અને 2023માં હૈદરાબાદ સામે વિજય.

એ સાથે, 18મી મેએ આરસીબીનો વિનિંગ રેશિયો 5-0નો છે.

વિરાટ કોહલીએ આઇપીએલમાં એક જ સ્થળે 3,000 રન બનાવવાનો વિક્રમ રચ્યો છે. બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેણે 3,040 રન બનાવ્યા છે જે રેકૉર્ડ છે.

આ પણ વાંચો : RCB in Playoff: સ્ટેડીયમમાં બેઠેલી અનુષ્કાની આંખમાં આંસુ, ચાહકોએ આખી રાત રોડ પર ઉજવણી કરી

કોહલીએ ભારતની ધરતી પર ટી-20 ફૉર્મેટમાં 9,000 રન પણ પૂરા કર્યા છે. કોઈ પણ એક દેશની ધરતી પર કોઈ ખેલાડીએ ટી-20 ફૉર્મેટમાં 9,000 રન બનાવ્યા હોય એવું પહેલી જ વાર બન્યું છે. તેના નામે કુલ 9,014 રન છે. એમાં કોહલીએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ વતી, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી, દિલ્હી વતી અને ભારત વતી બનાવેલા તમામ ટી-20 રન સામેલ છે. તેના પછીના ક્રમે આવતા બૅટર્સની ટૂંકી યાદી આ મુજબ છે: રોહિત શર્મા (8008 રન, ભારતમાં), શિખર ધવન (7626 રન, ભારતમાં), સુરેશ રૈના (6553 રન, ભારતમાં), રૉબિન ઉથપ્પા (6434 રન, ભારતમાં), ડેવિડ વૉર્નર (6272 રન, ભારતમાં) અને જે.એમ. વિન્સ (6155 રન, ઇંગ્લૅન્ડમાં).

આઇપીએલની કોઈ એક સીઝનમાં કોઈ ટીમ પહેલી આઠમાંથી ફક્ત એક મૅચ જીત્યા પછી પણ પ્લે-ઑફમાં પહોંચી હોય એવું પહેલી જ વખત બન્યું છે. આરસીબીએ લાગલગાટ છ મૅચ જીતીને આ શક્ય બનાવ્યું છે. અગાઉ 2014માં મુંબઈ ઇન્ડિયન્સે આઠમાંથી ફક્ત બે મૅચ જીત્યા બાદ પ્લે-ઑફમાં એન્ટ્રી કરી હતી જે વિક્રમ શનિવારે તૂટ્યો હતો.

સીએસકેની ટીમ પ્લે-ઑફથી વંચિત રહી હોય એવું ત્રીજી જ વખત બન્યું છે. 2024 પહેલાં 2022માં અને 2020માં પણ સીએસકેને લાસ્ટ-ફોરમાં નહોતું આવવા મળ્યું.

આરસીબીની ટીમ ટી-20 ટૂર્નામેન્ટની એક સીઝનમાં 150-પ્લસ છગ્ગા ફટકારનાર પ્રથમ ટીમ બની છે. શનિવારે રાત્રે ડુ પ્લેસીની ટીમે એ સિદ્ધિ મેળવી હતી અને એ સાથે તેમની 157 સિક્સર થઈ હતી. એ સમયે હૈદરાબાદની ટીમ 146 સિક્સર સાથે બીજા નંબરે હતી.

આરસીબીએ શનિવારે સીઝનમાં છઠ્ઠી વાર 200-પ્લસનો સ્કોર નોંધાવ્યો હતો. આરસીબીએ એ સાથે આઇપીએલના વિક્રમની બરાબરી કરી હતી. ગઈ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે આ સિદ્ધિ મેળવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ