મૅક્સવેલે રોહિતના કયા વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરીને ઑસ્ટ્રેલિયાને જિતાડ્યું?
ઍડિલેઇડ: ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને બીજી ટી-20માં પણ હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. ગ્લેન મૅક્સવેલ (120 અણનમ, પંચાવન બૉલ, આઠ સિક્સર, બાર ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો.
ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 241 રન બનાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ નવ વિકેટે 207 રન બનાવી શકી હતી.
મૅક્સવેલ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં પાંચ સદી ફટકારનાર રોહિત શર્મા પછીનો વિશ્વનો બીજો બૅટર બન્યો છે. જોકે રોહિત કરતાં મૅક્સવેલ ઝડપી છે. રોહિતે પાંચ ટી-20 સેન્ચુરી 143 ઇનિંગ્સમાં, જ્યારે મૅક્સવેલે માત્ર 94 ઇનિંગ્સમાં પાંચ સદી ફટકારી છે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફક્ત 34 રનથી હારી ગઈ હતી. ખરેખર તો રૉવમૅન પોવેલ (63 રન, 36 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ના સુકાનમાં કૅરિબિયન ટીમ જીતી શકે એમ હતી, પણ શરૂઆતમાં તેમણે માત્ર 63 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી એને કારણે છેવટે તેમણે પરાજય જોવો પડ્યો હતો. આન્દ્રે રસેલ (37 રન, 16 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને જેસન હોલ્ડર (28 અણનમ, 16 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) તેમ જ જૉન્સન ચાર્લ્સ (24 રન, 11 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) લાંબી ઇનિંગ્સ રમવાને બદલે ટૂંકી ઇનિંગ્સ રમીને વિકેટ ગુમાવી બેઠા હતા. માર્કસ સ્ટોઇનિસે ત્રણ તેમ જ જૉશ હૅઝલવૂડ અને સ્પેન્સર જૉન્સને બે-બે વિકેટ લીધી હતી.
મૅક્સવેલને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.