મૅક્સ વર્સ્ટેપ્પન પહેલી જ વાર ચીનની એફ-વન ગ્રાં પ્રિમાં ચૅમ્પિયન
શાંઘાઈ: બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સનું નાગરિકત્વ ધરાવતા ફૉર્મ્યુલા-વન કાર રેસના વર્લ્ડ ચૅમ્પિયન મૅક્સ વર્સ્ટેપ્પને રવિવારે શાંઘાઈ ઇન્ટરનૅશનલ સર્કિટમાં આયોજિત ચાઇનીઝ ગ્રાં પ્રિ જીતી લીધી હતી. રેડ બુલના વર્સ્ટેપ્પને પહેલી જ વાર ચીનમાં રેસિંગ કારની આ સર્વોચ્ચ સ્પર્ધા જીત્યો છે.
ત્રણ વખત ડિફેન્ડિંગ ચૅમ્પિયન રહી ચૂકેલા વર્સ્ટેપ્પને એફ-વનની આ સીઝનમાં પાંચમાંથી ચાર રેસ જીતી લીધી છે. ગઈ સીઝનથી ગણતરીમાં લઈએ તો તેની છેલ્લી 27માંથી આ 23મી જીત છે.
આ પણ વાંચો: મહિલા કુસ્તીબાજો વિનેશ, રીતિકા અને અંશુએ સપાટો બોલાવ્યો અને…
વર્સ્ટેપ્પન ગયા મહિને ઑસ્ટ્રેલિયાની ગ્રાં પ્રિ પણ કદાચ જીતીને તમામ પાંચેય જીત પોતાના નામે કરી ચૂક્યો હોત, પણ એ રેસમાં તેના કારની બ્રેક ફેલ થઈ જતાં તેણે રેસમાંથી નીકળી જવું પડ્યું હતું.
વર્સ્ટેપ્પને ચાઇનીઝ ગ્રાં પ્રિ 1 કલાક 40 મિનિટ 52.554 સેકન્ડમાં પૂરી કરી હતી અને સૌથી વધુ પચીસ પૉઇન્ટ મેળવ્યા હતા. બ્રિટન અને બેલ્જિયમનો લૅન્દો નૉરિસ બીજા નંબરે આવ્યો હતો. તેણે વર્સ્ટેપ્પન કરતાં 13.773 સેકન્ડ વધુ લગાડી હતી. મેક્સિકોનો સર્જિયો પેરેઝ ત્રીજા નંબરે હતો. તેને વર્સ્ટેપ્પન કરતાં 19.160 સેકન્ડ વધુ લાગી હતી.
હવે પછીની એફ-વન ગ્રાં પ્રિ પાંચમી મેએ અમેરિકાના માયામી શહેરમાં યોજાશે.