અમેરિકાના પુરુષ ફૂટબોલર્સને કોચની સલાહ, ‘મહિલા ખેલાડીઓ પરથી પ્રેરણા લો’

ન્યૂ યૉર્ક: મહિલાઓ આજે દરેક ક્ષેત્રે પુરુષ સમોવડી છે અને એમાં ખેલકૂદ ક્ષેત્ર પણ બાકાત નથી. જુઓને, તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત વતી શૂટર મનુ ભાકરે બ્રૉન્ઝ જીતીને ધમાકેદાર આરંભ કર્યો હતો અને દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શૂટર અવનિ લેખરાએ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. લગભગ દરેક દેશમાં ખેલકૂદમાં મહિલાઓની ટીમ પુરુષોની ટીમની જેમ સફળતાઓ અને સિદ્ધિઓ મેળવતી જોવા મળી છે. અમેરિકામાં તો મેન્સ ફૂટબૉલ ટીમના કોચ મૉરિસિયો પૉશેટિનોએ ખેલાડીઓને ત્યાં સુધી કહ્યું છે કે ‘તમારે અમેરિકાની મહિલા ફૂટબૉલ ટીમની સફળતાઓ પરથી પ્રેરણા લેવી જોઈએ. તેમના જેવી સફળતા મેળવવાની મહત્વકાંક્ષા તમારે રાખવી જોઈએ.’
મેન્સ ફૂટબૉલની વાત કરીએ તો અમેરિકા 1930માં સૌપ્રથમ ફિફા વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પહોચ્યું ત્યાર બાદ 94 વર્ષમાં ક્યારેય સેમિ સુધી નથી પહોંચી શક્યું. 2002 પછી અમેરિકાની મેન્સ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પણ નથી પહોંચી. એની તુલનામાં અમેરિકાની મહિલા ફૂટબૉલર્સ ચાર વખત વર્લ્ડ કપ જીતી છે અને ઑલિમ્પિક્સના પાંચ ગોલ્ડ મેડલ પણ તેમની પાસે છે.
બાવન વર્ષના મૉરિસિયો આર્જેન્ટિનાના છે. તેમને ગ્રેગ બેહૉલ્ટરના સ્થાને નીમવામાં આવ્યા છે. અમેરિકા તાજેતરની કૉપા અમેરિકા સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડમાં જ આઉટ થઈ જવાને પગલે ગ્રેગને કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
મૉરિસિયોના મતે યુએસએના પુરુષ ફૂટબોલર્સ માટે દેશની મહિલાઓની ફૂટબૉલ ટીમ એક દૃષ્ટાંત બની શકે એમ છે.
અમેરિકાએ મૉરિસિયોને 2026ના ફિફા વર્લ્ડ કપ સુધી મેન્સ ટીમના કોચ તરીકે નીમ્યા છે. મૉરિસિયોએ પુરુષ ખેલાડીઓને કહ્યું, ‘મારું માનવું છે કે અમેરિકાની મહિલા સૉકર ટીમ મેન્સ ટીમ માટે પ્રેરણા બની શકે.’
મૉરિસિયો સ્પેન, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સમાં પ્રોફેશનલ ફૂટબૉલ લીગ ક્લબોની ટીમને કોચિંગ આપી ચૂક્યા છે.