
કોલંબોઃ વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન શ્રીલંકાની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાના કારણે ટીમે ઝડપી બોલર મથિશા પથિરાના સ્થાને પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂઝને ટીમમાં સામેલ કર્યો છે. મેથ્યૂઝ સિનિયર અને અનુભવી ખેલાડી છે. પથિરાનાએ ખભામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામેની મેચમાં રમી શક્યો નહોતો.
20 વર્ષીય પથિરાનાએ ટૂર્નામેન્ટમાં 2 મેચ રમી હતી, જેમાં તે ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો અને વધુ સફળતા મેળવી શક્યો ન હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 90 રન અને પાકિસ્તાન સામેની બીજી મેચમાં 95 રન આપ્યા હતા.
એન્જેલોની વાત કરીએ તો તે ટીમનો અનુભવી ખેલાડી છે અને ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમે છે. ઓલરાઉન્ડર મેથ્યૂઝ વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે અસરકારક સાબિત થઈ શકે છે. મેથ્યુઝે અત્યાર સુધીમાં 106 ટેસ્ટ, 221 વનડે અને 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 7361 રન, વન-ડેમાં 5865 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં 1148 રન કર્યા છે. દરમિયાન તેણે ટેસ્ટમાં 15 સદી અને વનડેમાં 5 સદી ફટકારી છે.
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ચા મેચ રમી ચૂકેલી શ્રીલંકન ટીમ 3 મેચ હારી છે. શ્રીલંકન ટીમની હાર સાથે શરૂઆત કરી હતી, જેમાં પ્રથમ ત્રણ મેચમાં હારનો સામનો કર્યા બાદ ટીમને ચોથી મેચમાં જીત મળી હતી.