T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડના એકઝિટની સંભાવના અત્યારથી જ વધી ગઈ, જાણો કેવી રીતે…

ઓસ્ટ્રેલિયા 200 રનના ટોટલ સુધી પહોંચનારી પહેલી ટીમ બની અને વિજેતા થઈ

બ્રિજટાઉન (બાર્બડોઝ): ઓસ્ટ્રેલિયા (20 ઓવરમાં 201/7)એ શનિવારે ટી20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ (20 ઓવરમાં 165/6)ને 36 રનથી હરાવીને જૉસ બટલરની ટીમનું આ ટૂર્નામેન્ટમાં ટકવું મુશ્કેલ કરી દીધું હતું. ગ્રૂપ “બી”માં 2022ના ચેમ્પિયન ઇંગ્લેન્ડ પાસે બે મૅચ બાદ હવે માત્ર એક પોઈન્ટ છે જે એને સ્કોટલેન્ડ સામેની અનિર્ણીત મૅચ બદલ મળ્યો હતો. દરેક ગ્રૂપમાંથી માત્ર બે ટીમ સુપર એઇટ રાઉન્ડમાં જશે. ઇંગ્લેન્ડ હજી પણ ક્વોલિફાઈ થઈ શકે એમ છે. જોકે એણે ગુરુવારે ઓમાનને અને શનિવારે નામિબિયાને હરાવવું જ પડશે. એ ઉપરાંત ઇંગ્લેન્ડનો નેટ રન-રેટ સ્કોટલેન્ડથી સારો હોવો જોઈશે.

ઓસ્ટ્રેલિયા આ વખતના વિશ્વ કપમાં 200 રન સુધી પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. એક તરફ આઈપીએલ-2024માં બીજા જ દિવસે (23મી માર્ચે) 200 રનનું ટોટલ (કોલકાતા 208/7, ઈડન ગાર્ડન્સમાં, હૈદરાબાદ સામે) જોવા મળ્યું હતું અને આખી સીઝનમાં કુલ 41 વાર 200-પ્લસનો ટીમ-સ્કોર નોંધાયો હતો ત્યાં હવે ટી-20 વર્લ્ડ કપ-2024માં પહેલી વાર 200 રન જોવા મળ્યા અને એ પણ ટૂર્નામેન્ટ શરૂ થયાના છેક આઠમા દિવસે.

Read More: આજે IND vs PAK મહા મુકાબલો, આ 5 પાકિસ્તાની ખેલાડીઓ આપી શકે છે જોરદાર ટક્કર

શનિવારે બ્રિજટાઉનમાં એક સ્કવેર બાઉન્ડરી નવ મીટર ટૂંકી હતી (પિચથી કુલ માત્ર 58 મીટર દૂર હતી) એટલે ઓસ્ટ્રેલિયાના ઓપનર્સ ડેવિડ વૉર્નર (39 રન, 16 બૉલ, ચાર સિક્સર, બે ફોર) તથા ટ્રેવિસ હેડ (34 રન, 18 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ની જોડીએ શરૂઆતથી જ એનો પૂરો ફાયદો ઉઠાવી એ ટૂંકી બાઉન્ડરી (શોર્ટ લેગ બાઉન્ડરી) તરફ વધુ રન બનાવ્યા હતા.

પેસ બોલર માર્ક વૂડની પ્રારંભિક ઓવરમાં બાવીસ રન બન્યા બાદ કેપ્ટન બટલરે બીજી ઓવર પાર્ટ-ટાઈમ ઑફ સ્પિનર વિલ જેક્સને આપવાની મોટી ભૂલ કરી હતી. તેની એ ઓવરમાં ચાર બૉલમાં ત્રણ સિક્સર ગઈ હતી અને આખી ઓવરમાં પણ બાવીસ રન બન્યા હતા. કહેવાય છેને કે જેની શરૂઆત સારી એનો અંત પણ મોટા ભાગે સારો જ હોય છે. હેડ-વૉર્નર વચ્ચે પાંચ ઓવરમાં 70 રનની ભાગીદારી થઈ હતી જે છેવટે મૅચ-વિનિંગ નીવડી હતી.
બન્નેને અનુક્રમે મોઇન અલી અને જોફરા આર્ચરે ક્લીન બોલ્ડ કર્યા હતા.

Read More: T20 World Cup 2024 WI vs UGA: યુગાંડાનું 39 રનમાં જ પડીકું વળી ગયું, વેસ્ટઇંડીઝની પ્રચંડ જીત

ઓસ્ટ્રેલિયાની ટીમને 200-પ્લસનો સ્કોર અપાવવામાં કેપ્ટન મિચલ માર્શ (35 રન), સ્ટોઈનિસ (30 રન), મેક્સવેલ (28 રન) અને મેથ્યૂ વેડ (17 અણનમ)ના પણ સાધારણ યોગદાન હતા. બ્રિટિશ ટીમ વતી ક્રિસ જોર્ડને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડે ફિલ સૉલ્ટ (37 રન, 23 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને સુકાની બટલર (42 રન, 28 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) વચ્ચેની 73 રનની ભાગીદારી સાથે શરૂઆત સારી કરી હતી, પણ સ્પિનર એડમ ઝેમ્પાએ પોતાની બે ઓવરમાં સૉલ્ટ અને બટલરને પૅવિલિયન ભેગા કરીને ઇંગ્લેન્ડના સઢમાંથી હવા કાઢી નાખી હતી. ઝેમ્પાને એ શરૂઆતની બે વિકેટના પર્ફોર્મન્સ બદલ જ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. પેટ કમિન્સે પણ બે વિકેટ તેમ જ હેઝલવૂડ, સ્ટોઈનિસે એક-એક વિકેટ લીધી હતી. આઈપીએલના હીરો મિચલ સ્ટાર્કને 37 રનમાં અને મેક્સવેલને બાવીસ રનમાં વિકેટ નહોતી મળી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો