સ્પોર્ટસ

ગપ્ટિલે નિવૃત્તિ જાહેર કર્યા પછી કહ્યું, `મારે હજી રમવું હતું, પણ…’

હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડના આક્રમક ઓપનર માર્ટિન ગપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યાર પછી કહ્યું હતું કે `મારે હજી રમવું હતું. ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટને હું ખેલાડી તરીકે ઘણું આપી શક્યો હોત. હું નારાજ તો થયો જ છું. જે રીતે મારે નિવૃત્ત થવું પડી રહ્યું છે એ મને ગમ્યું નથી. જે કંઈ હોય, મારે હવે ભવિષ્યને લક્ષમાં રાખીને આગળ વધવું પડશે.’
38 વર્ષના ગપ્ટિલનું નામ ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટમાં વન-ડેના ડેબ્યૂમાં જ સદી ફટકારનાર પ્રથમ કિવી બૅટર તરીકે અંકિત થયું છે. 2015ના વન-ડે વર્લ્ડ કપમાં તે ન્યૂ ઝીલૅન્ડનો પ્રથમ ડબલ સેન્ચુરિયન પણ બન્યો હતો.

14 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત આવ્યો છે. છેલ્લે તે 2022ની સાલમાં ન્યૂ ઝીલૅન્ડ વતી રમ્યો હતો. 2023ના વન-ડે વર્લ્ડ કપ માટેની ટીમમાં તેનું સિલેક્શન નહોતું થયું અને હવે તેણે નારાજગીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દેવી પડી છે. આઇપીએલમાં તે મુંબઈ, પંજાબ, હૈદરાબાદ વતી રમી ચૂક્યો છે.

આ પણ વાંચો: ન્યૂ ઝીલૅન્ડના આ ટોચના બેટ્સમૅને અચાનક કરી નિવૃત્તિની જાહેરાત

ગપ્ટિલે ન્યૂ ઝીલૅન્ડ માટે 198 વન-ડે, 122 ટી-20 અને 47 ટેસ્ટ રમીને ત્રણેય ફોર્મેટમાં કુલ 23 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. તે છેલ્લે ઑક્ટોબર 2022માં ન્યૂ ઝીલૅન્ડ વતી રમ્યો હતો. જોકે, ગપ્ટિલ વિશ્વભરની ટી-20 લીગમાં રમવાનું ચાલુ રાખશે. તેણે 122 મૅચમાં 3,531 રન સાથે ન્યૂ ઝીલૅન્ડની ટીમના અગ્રણી ટી-20 રન-સ્કોરર તરીકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવી દીધો છે. ગપ્ટિલ ટી-20 ક્રિકેટમાં ન્યૂ ઝીલૅન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

તેણે વન-ડેમાં 7,346 રન બનાવ્યા હતા. રૉસ ટેલર અને સ્ટીફન ફ્લેમિંગ બાદ વન-ડેમાં તે ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમૅન છે.

ગપ્ટિલે 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે વેલિંગ્ટન સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે 2015 વન-ડે વર્લ્ડ કપ ક્વૉર્ટર ફાઇનલમાં અણનમ 237 રન બનાવ્યા હતા. તેની પાસે ન્યૂ ઝીલૅન્ડના ટોચના ચાર વ્યક્તિગત વન-ડે સ્કોરમાંથી ત્રણનો રેકોર્ડ પણ છે. આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 1,385 ચોક્કા અને 383 છગ્ગા મારવા ઉપરાંત, ગપ્ટિલે મૅન્ચેસ્ટરમાં 2019 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડની સેમિફાઇનલ જીત દરમિયાન એમએસ ધોનીને શાનદાર રીતે રનઆઉટ કર્યો હતો અને એ સાથે ધોનીની કરીઅરનો અંત આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button