પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે આપી હાર
બ્લૂમફોન્ટેન (સાઉથ આફ્રિકા): ઓસ્ટ્રેલિયાએ પાંચ વન-ડે મેચની સીરિઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને ત્રણ વિકેટે હાર આપી હતી. માર્નસ લાબુશેનની અડધી સદી અને એશ્ટન અગરની આક્રમક બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે પાંચ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 49 ઓવરમાં 222 રન જ બનાવી શકી હતી જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 40.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. માર્નસ લાબુશેને અણનમ 80 રન બનાવ્યા હતા.
223 રનનો ટાર્ગેટ અચીવ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાએ માત્ર 113 રનના સ્કોર પર 7 વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ માર્નસ લાબુશેન અને એશ્ટન એગરે શાનદાર ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી.
સૌથી રસપ્રદ વાત એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમના વિજેતા હીરો માર્નસ લાબુશેન પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોતો પરંતુ તેને કન્કશન સબ્સ્ટીટ્યૂટના રૂપમાં તક અપાવી હતી. લાબુશેન કેમરૂન ગ્રીનના સ્થાને કન્કશન સબ્સ્ટીટ્યૂટના રૂપમાં મેદાન પર આવ્યો હતો.
અગાઉ સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ પણ ખરાબ બેટિંગ કરી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમાએ શાનદાર સદી ફટકારી હતી. આ સિવાય માર્કો જેન્સને 32 રનનું યોગદાન આપ્યું હતું. જોકે તેમ છતાં આખી ટીમ મળીને 222 રન જ બનાવી શકી હતી.