માર્ક ટેલરે ભારતીય ખેલાડીઓને કહ્યું, `સિરાજને જરા સમજાવો, તે અમ્પાયરના નિર્ણય પહેલાં જ…’
ઍડિલેઇડઃ જ્યારે કોઈ બોલર બૉલ ફેંકે એ પહેલાં જ નૉન-સ્ટ્રાઇક એન્ડ પરનો બૅટર રન દોડવા માટે ક્રીઝની બહાર નીકળી જાય ત્યારે બોલર અમ્પાયરની મદદથી તેને સમજાવે છે કે બૉલ ફેંકાતાં પહેલાં જો બહાર નીકળી જઈશ તો તને રનઆઉટ કરી દેવામાં આવશે. આવું જ કંઈક હવે બોલરની બાબતમાં બની રહ્યું છે. ભારતીય પેસ બોલર મોહમ્મદ સિરાજ વિશે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનિંગ બૅટર માર્ક ટેલરે એવું મંતવ્ય આપ્યું છે કે તેને (સિરાજને) ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓએ સમજાવવો જોઈએ કે અપીલ કર્યા બાદ અમ્પાયર નિર્ણય આપે એ પહેલાં તેણે વિકેટ સેલિબે્રટ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
ટેલરે ઑસ્ટ્રેલિયાની એક જાણીતી ચૅનલને કહ્યું છે કે સિરાજને એવી આદત છે કે તે કોઈ બૉલ ફેંક્યા પછી બૅટર આઉટ હોવા વિશે અપીલ કરે તો એ અપીલ પર અમ્પાયર શું નિર્ણય આપે એ ચકાસ્યા વગર (અમ્પાયરના નિર્ણયની પરવા કર્યા વિના) તે માની બેસે છે કે બૅટર આઉટ જ છે અને એવું માનીને તે સાથી જોડે વિકેટ સેલિબે્રટ કરવા દોડી જાય છે.' ટેલરે ચૅનલને કહ્યું છે કે
મારે ભારતીય ટીમના અમુક સિનિયર ખેલાડીઓ સાથે ચર્ચા કરવી છે. ઍડિલેઇડ ટેસ્ટ દરમ્યાન મેદાન પર સિરાજનું ટ્રેવિસ હેડ સાથે જે કંઈ બની ગયું એ વિશે મારે કંઈ જ વાતચીત નથી કરવી. મારે સિનિયર ખેલાડીઓને એ કહેવું છે કે સિરાજ અપીલ કર્યા બાદ અમ્પાયર શું નિર્ણય આપે છે એ ફરીને જોવાની તસ્દી પણ નથી લેતો અને સીધો વિકેટનું સેલિબે્રશન કરવા દોડી જાય છે. મારી દૃષ્ટિએ સિરાજનો આ અભિગમ ખુદ તેના માટે તેમ જ ક્રિકેટની રમત માટે ઠીક ન કહેવાય.’
આ પણ વાંચો : ઍડિલેઇડમાં પહેલા દિવસે રસાકસી વચ્ચે ગરમાગરમી, કોહલી-બુમરાહે લાબુશેનને નિશાન બનાવ્યો…
ટેલરનું એવું કહેવું છે કે `સિરાજના જોશ અને જુસ્સાથી હું પ્રભાવિત થયો છું. તેની સ્પર્ધાત્મકતા પણ મને ખૂબ ગમી છે, પરંતુ ક્રિકેટની રમતનું માન જળવાય એ પણ જરૂરી છે. મને લાગે છે ટીમનો કોઈ સિનિયર ખેલાડી સિરાજને સમજાવશે તો તે જરૂર સમજશે.’
સિરાજ થોડા દિવસથી ખૂબ ચર્ચામાં છે. ઍડિલેઇડ ટેસ્ટના મૅચ-વિનર ટ્રેવિસ હેડે પ્રથમ દાવમાં મૅચ-વિનિંગ 140 રન બનાવ્યા અને પછી સિરાજના બૉલમાં જ આઉટ થયો ત્યારે સિરાજે આક્રમક મિજાજમાં આવીને બે વખત તેને હાથના ઇશારાથી પૅવિલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટ્રેવિસ હેડ પણ બબડ્યો હતો (જે સંબંધમાં સિરાજ કહે છે કે ટ્રેવિસે તેને ગાળ આપી હતી) અને પછી મામલો માંડ-માંડ શાંત પડ્યો હતો. સિરાજને આ ગેરવર્તન બદલ 20 ટકા મૅચ-ફીનો દંડ કરાયો હતો તેમ જ બન્નેના નામે એક-એક ડીમેરિટ પૉઇન્ટ લખાયા હતા. મૅચ-રેફરીએ ટ્રેવિસ હેડને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો.